વડોદરા, તા.૧૬

શનિવારે સવારે દસ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરે નોંધાઈ હતી. માત્ર ૨ કલાકમા સપાટીમાં ૨૩ સે.મિ. નો વધારો થયો હતો. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.ડેમમાં પાણીની આવકમાં બે કલાક્મા ૩,૬૪,૬૨૯ ક્યુસેકનો વધારો થયો હતો.જાેકે,નર્મદા ડેમ ખાતે પાણીની આવક સતત વધતા સાંજે પાંચ વાગે સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ૫.૬૦ મીટર ખોલીને નદીના નિચાણવાળા વિસ્તારમાં ૯ લાખ ક્યુસેક પાણી સાથે વિધ્યુત મથકના ૬ મશીનો સાથે કુલ ૯.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા જિલ્લા કલેકટર અતુલ ગોરે વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠા શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના ગામોને સાવધ કરવા સુચના આપી હતી.

નર્મદા ઉપરાંત ઓરસંગ નદીમાં પણ પૂરની સ્થિતીને કારણે નર્મદા કાંઠાના ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા

ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં નહી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.