/
૨૬નું દિલ ૪૪માં ધડક્યું સયાજી હોસ્પિટલના મેડિસિન

૨૬નું દિલ ૪૪માં ધડક્યું

સયાજી હોસ્પિટલના મેડિસિન

સર્જરી એનેસ્થેશિયા, એસઆઈસીયુની ટીમે અમદાવાદથી આવેલ તજ્‌જ્ઞ ટીમના સહયોગથી શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી

વડોદરા, તા.૮

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત ર૬ વર્ષીય યુવાનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતાં મૃતકના પરિવારજનોની સંમતિથી હૃદય, લીવર, બંને કિડની, નેત્રો ઓર્ગન ડૉનેટ કરવામાં આવ્યાં હતાં. સયાજી હોસ્પિટલના ઈતિહાસમાં સૌ પ્રથમવાર શસ્ત્રક્રિયા કરી હૃદયનું દાન કરાયું હતું. આ આખી પ્રોસેસ માટે અમદાવાદ - વડોદરા વચ્ચે ગ્રીન કોરિડોર ઊભો કરવામાં આવ્યો હતો અને ગળતરીના કલાકોમાં આખી પ્રોસેસને પાર પાડવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલના મેડિસિન, સર્જરી, એનેસ્થેશિયા, એસઆઈસીયુ, ડીઓટીની ટીમ સહિત અમદાવાદથી આવેલ ખાસ તજ્‌જ્ઞ તબીબના સહયોગથી આ ઓર્ગન ડૉનેટની શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી હતી. પરિવારજનોએ મૃતક યુવાનના ઓર્ગન ડૉનેશનથી ૬ જેટલા જરૂરિયાતમંદ લોકોને નવજીવન બક્ષ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

મૃતક વિજયસિંહ દલપતસિંહ મકવાણા (ઉં.વ.ર૬) રહેવાસી ઠાસરા તાલુકાના સેવાલિયા ગામે રહેતો હતો. તેને તા.૭મીના રોજ અકસ્માત થયો હતો, જેથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબી દ્વારા બ્રેઈનડેડ ઘોષિત કર્યો હતો. બ્રેઈનડેડ જાહેર થયા બાદ તબીબ દ્વારા મૃતકના પરિવારજનોને ઓર્ગન ડોનેશન કરવા માટે કાઉન્સેલિંગ કરાયું હતું. પરિવારજનોએ સહમતિ આપતાં સયાજી હોસ્પિટલ અને અમદાવાદથી ખાસ આવેલ તજજ્ઞ તબીબો ઓર્ગન ડોનેશનની શસ્ત્રક્રિયા હાથ ધરી હતી.

ઓર્ગન ડૉનેશન પ્રક્રિયાની ટાઇમલાઇન

• સયાજી હોસ્પિટલમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત ર૬ વર્ષીય વિજય મકવાણાને રાત્રિના ૧ર.ર૮ કલાકે બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.

• સવારે ૧ર કલાકે

મૃતકના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ઓર્ગન ડૉનેટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

• બપોરે ૧.૩૦ થી ર.૦૦ કલાક વચ્ચે ઓર્ગન ડૉનેટ લીધા બાદ કોરીડોર દ્વારા સયાજી હોસ્પિટલની તબીબ ટીમ હરણી એરપોર્ટ પહોંચી હતી.

• ચાર્ટર્ડ પ્લેન દ્વારા સાંજે ૪ કલાકે એરપોર્ટથી નીકળ્યાં બાદ સાંજે ૭ કલાકે અમદાવાદ હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં, જ્યાં ઈમ્પ્લાન્ટની પ્રક્રિયા શરૂ થઈ હતી.

સયાજી હોસ્પિટલમાં હૃદયનું સૌ પ્રથમવાર ડૉનેટ કરાયું

સયાજી હોસ્પિટલમાં હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ અમદાવાદ સીમ્સના તજજ્ઞ તબીબ ટીમ સાથે ચોથું અંગદાન કરવામાં આવ્યું હોવાથી આનંદની લાગણી સાથે સયાજી હોસ્પિટલના તબીબ અધિક્ષક ડો. રંજનકૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, હૃદયનું સયાજી હોસ્પિટલમાં સૌ પ્રથમવાર ડૉનેટ કરાયું છે. જ્યારે અન્ય ઓર્ગન અગાઉ ડૉનેટ કરવામાં આવ્યાં છે, જે ગર્વની વાત ગણાવી હતી અને ઉમેર્યું હતું કે, સર્જરી મેડિસિન, ટ્રાન્સપ્લાનટ કો-ઓર્ડિનેટર ટીમ, એલઆઈસીયુ, ડીઓટી, એનેસ્થેશિયા, માઈક્રોબાયોલોજી ઓર્ગન ડૉનેટ કમિટીના સુપ્રિ. ડો. દીપાલીબેનનો સહકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

બ્રેઈનડેડ ર૬ વર્ષીય યુવાનનું હૃદય ૪૪ વર્ષીય વ્યક્તિમાં ધબકશે ઃ તજ્‌જ્ઞ તબીબ

સયાજી હોસ્પિટલમાં હૃદય સહિત લીવર, બંને કિડની, નેત્રો ડૉનેટ કરાયા બાદ ર૬ વર્ષીય યુવાનનું હાર્ટ ૪૪ વર્ષીય જરૂરિયાતમંદ વ્યક્તિમાં ધબકશે. જ્યારે લીવર અને કિડની, નેત્રો અન્ય વ્યક્તિને નવજીવન બક્ષશે. ઓર્ગન ડોનેશન બાદ સ્ત્રી-પુરુષની અસર લાગુ પડતી નથી. અલબત્ત, પુરુષ એટલે કે મેઈલના ઓર્ગન ફિમેલ સ્ત્રીમાં પ્રત્યારોપણ કરી શકાય છે. યુવાન વ્યક્તિનું હૃદય વધુ કામ કરતું હોય છે. જાે કે, દરેક ઓર્ગનમાં આ બાબત અસર કરે છે.

ડૉનેશન કરાયેલ ઓર્ગનને તબીબો દ્વારા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ લઈ જવાયા

ઓર્ગન ડોનેશનની શસ્ત્રક્રિયા માટે તજજ્ઞ તબીબોની ટીમ બાયરોડ દ્વારા સયાજી હોસ્પિટલમાં અમદાવાદથી આી પહોંચ્યાં હતાં. જ્યાં હૃદય સહિત લીવર, બંને કિડની, નેત્રો ઓર્ગનની સફળતાપૂર્વક ઓર્ગન લીધા બાદ બપોરના ૧ થી ર વાગ્યાની આસપાસ ગ્રીન કોરીડોર સાથે ઓર્ગન લઈને એરપોર્ટ પહોંચ્યાં હતાં, જ્યાં ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યાં હતાં. સાંજના સાત વાગે જરૂરિયાતમંદ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટની કામગીરી કરી રહ્યાનો સંદેશો મળતાં સયાજી હોસ્પિટલના તબીબી ટીમમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

જાે સમાજ વધારે જાગૃત થાય તો અનેકને નવજીવન બક્ષી શકાય

રાજ્ય સરકાર દ્વારા ઓર્ગન ડોનેશન માટે રાજ્યવ્યાપી અવેરનેસ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. તબીબો દ્વારા પણ જનતા તથા નગરવાસીઓને અપીલ કરી રહ્યા છે કે અંગદાન એ કેટલાક જરૂરિયાતમંદોની જિંદગી બચાવી શકે છે. એક વ્યક્તિના અંગો એ એકસાથે પાંચથી છ વ્યક્તિની જિંદગી બચાવી શકાય છે. કોઈપણ બ્રેઈનડેડ વ્યક્તિ તેના હૃદય, કિડની, ફેફસાં, આંખો, લીવર સહિતના અંગો દાન કરી શકે છે અને કરવા જાેઈએ. અંગદાનથી કેટલાક લોકોની જિંદગી બચી શકે છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં દાનનું મહત્ત્વ વર્ણવ્યું છે. અંગદાનની સાથે દેહદાન પણ ખૂબ જ અગત્યનું છે.

ટ્રાન્સપોર્ટ સમયે હૃદયને કેવી રીતે સાચવવામાં આવ્યું?

તજજ્ઞ તબીબોએ રૂંવાડા ઊભાં કરી દેતી આખી પ્રોસેસને વર્ણવતા જણાવ્યું હતું કે, પ્રિજએક્ટિવ લિક્વિડની મદદથી તેનાં સેલ બંધ થવા દેવામાં આવતા નથી, હૃદયને સૂવડાવી દેવામાં આવે છે!

હૃદયને ટ્રાન્સપોર્ટ સમયે આઈસ-બોક્સમાં પ્રિજએક્ટિવ લિક્વિડની મદદ વચ્ચે હૃદયને જરૂરી ખોરાક મળી રહે તે લઈ જવાય છે. તદ્‌ઉપરાંત હૃદયના સેલને બંધ થવા દેવામાં આવતાં નથી, પરંતુ થોડા સમય સુધી સૂવડાવી રાખવામાં આવે છે. ખાસ જાણવા જેવી બાબત એ છે કે, જ્યારથી તે તેને બહાર લેવામાં આવે છે ત્યારથી ચાર કલાકમાં ઈમ્પ્લાન્ટ કરી દેવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાં હૃદયમાં સાઈઝ સાથે ડૉનર અને રિસીવરનું મેચ કરવું પડે છે. જેમ કે, વજન, કદ, ઉંમર, છાતી વગેરે વિગતો સરખાવવામાં આવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution