અમદાવાદ-

તાપીના વ્યારા પાસેથી ATS 3 નક્સલીઓની ધરપકડ કરી છે. ATSને જાણકારી મળી હતી કે બબીતા કછપ સતીપતી સંપ્રદાયના અનુયાયીઓને તેમના ઉદ્દેશની શોધમાં ઉશ્કેરે છે. આ સાથે જ સામે ઓરેયા અને બીરસા ઓરેયા તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સતીપતી સંપ્રદાયના અનુયાયીઓને ઉશ્કેરવામાં સક્રિય છે. જેના આધારે ATSએ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, તે ગુજરાતમાં સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં હિંસક માધ્યમોનો પ્રચાર કરી રહ્યા છે. જે આધારે ATSએ ત્રણેયની ધરપકડ કરી હતી. આ દરમિયાન તેમની પાસેથી નક્સલવાદને લગતી પત્રિકાઓ અને મુદ્રિત સામગ્રી મળી આવી છે.

આરોપીના મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબ્જે કરવામાં આવ્યાં છે. આ ત્રણેય સાથે મળીને પથ્થરલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે નાણા અકેત્રિત કરતા હતા. તે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિકોમાં સરકાર સામે તિરસ્કાર પેદા થાય તેવો પ્રયાસ કરી રહ્યા હતા.આ લોકો સ્થાનિકોને સરકાર વિરુદ્ધ હિંસક બળવો કરવાનું વાતાવરણ ઉભું કરી રહ્યા હતા. આ સાથે જ આરોપી સરકાર ઉથલાવવાનું કાવતરૂં રચી રહ્યા હતા. જેથી આ તમામ વિરુદ્ધ ગુનો નોધ કાર્યવાહી કરવામાં આવી છે.