ધોરણ-૯થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જાન્યુઆરી 2021  |   1881

ગાંધીનગર

કોરોનાની મહામારીને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-૯થી ધોરણ-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. જે મુજબ ધોરણ-૯,૧૦,૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને ૩૦ ટકા કર્યું છે. જે અગાઉ ૨૦ ટકા હતું. જ્યારે ધોરણ-૧૨ સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં ૫૦ ટકા (મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે.

ધોરણ-૯થી ધોરણ-૧૨માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ જિલ્લાશિક્ષણાધિકારીઓ મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પણ આ વિગતો મુકવામાં આવી છે. રાજ્ય સરકારે ગુજરાતમાં એક વર્ષ માટે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ૩૦ ટકા ઘટાડો કર્યો છે. વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે.

એટલું જ નહીં, ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકશે. જાે કે, સ્કૂલો ક્યારે શરૂ થશે તે બાબતે હજી સુધી ગુજરાત સરકારે કોઈ ર્નિણય લીધો નથી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે ૭૦ ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. ૯ અને ધો. ૧૧ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૨૧મેથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution