વડોદરા, તા.૩૦

દેશ, રાજ્ય અને શહેરોમાં કોરોનાના નવા વેરિઅન્ટ એવા ઓમિક્રોનના કેસોની સાથે કોરોનાના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. વિતેલા છેલ્લા ર૪ કલાકમાં શહેરમાં આજે કુલ નવા ૩૭ કોરોનાના કેસો નોંધાયા છે. શહેરમાં મક્કમ ગતિથી વધી રહેલા કોરોનાના કેસોને લઈને પાલિકાનું આરોગ્યતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. પાલિકાએ શહેરમાં રોજબરોજ કોરોનાના વધતા કેસો સામે આવી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાના સર્વેની કામગીરી પણ વધારી દેવાઈ છે. આજે શહેરના જેતલપુર, અટલાદરા, ભાયલી, શિયાબાગ, દિવાળીપુરા, સવાદ ક્વાર્ટર્સ, ગોત્રી, હરણી, સુભાનપુરા, તાંદલજા, કપુરાઈ, બાપોદ, અકોટા, સુદામાપુરી, કિશનવાડી, નવીધરતી, ગોકુલનગર, માંજલપુર વિસ્તારોમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૫૨૧૧ જેટલા સેમ્પલોની ચકાસણી કરાઈ હતી જે પૈકી પૂર્વ વિસ્તાર ઝોનમાંથી ૧૦, પશ્ચિમ ઝોનમાંથી ૧૬, ઉત્તર ઝોનમાંથી ૪, દક્ષિણ ઝોનમાંથી પ અને ગ્રામ્ય વિસ્તારના ૩ નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યાનો આંક ૭૨૬૯૩ પર પહોંચ્યો હતો. શહેરમાં ૧૬૦ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

જેમાં ૬ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ર દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. જ્યારે ૩૭૬ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. બીજી તરફ સારવાર દરમિયાન સાજા થયેલા ૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૭૧૯૧૦ થઈ છે. પોલીસતંત્ર પણ કોરોનાના વધી રહેલા વ્યાપને પગલે માસ્ક ન પહેરનારને દંડ વસૂલાતને બદલે વાહનચાલકો અને ચાલતા જતા રાહદારીઓને રોકી માસ્કનું વિતરણ કરી લોકો કોરોનાના કહેરથી બચવા માટે સમજ આપવામાં આવી રહી છે. પોલીસ આ સરાહનીય કામગીરી કરી રહી છે. સદ્‌નસીબે કોરોનામાં કોઈ દર્દીનું મૃત્યુ ન થતાં કોરોનાનો મૃત્યુઆંક ઘણા સમયથી ૬૨૩ ઉપર સ્થિર રહ્યો હતો.

હોસ્ટેલના ૩૪ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા ઃ તમામના રિપોર્ટ નેગેટિવ

એમ.એસ. યુનિવર્સિટીની એલબીએસ હોસ્ટેલના વોર્ડનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં યુનિવર્સિટી તંત્ર દોડતું થયું હતું. જાે કે, પાલિકાના અરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલ પર જઈને તેમાં હાલમાં રહેતા તમામ ૩૪ વિદ્યાર્થીઓનો રેપિડ ટેસ્ટ કર્યો હતો. જાે કે, તમામનો રિપોર્ટ નેગેટિવ આવતાં વિદ્યાર્થીઓ અને યુનિ. તંત્રે રાહત અનુભવી હતી. જાે કે, તકેદારીના ભાગરૂપે આ હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને ૩ દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયા હોવાનું ચીફ વોર્ડને જણાવ્યું હતું. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની દહેશત વચ્ચે ફરી એક વખત કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. વડોદરા શહેરમાં પણ કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો નોંધાયો છે. ત્યારે આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની એલબીએસ હોસ્ટેલના વોર્ડન કોરોના પોઝિટિવ આવતાં યુનિ.તંત્ર સતર્ક બન્યું છે. એલબીએસ હોસ્ટેલના ચીફ વોર્ડન ડો.વિજય પરમારે જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં સેનિટાઈઝીંગની કામગીરી સાથે પાલિકાના આરોગ્યતંત્રની મદદથી હાલ હોસ્ટેલમાં રહેતા તમામ ૩૪ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જાે કે, સાવચેતીના ભાગરૂપે તમામને ૩ દિવસ માટે ક્વોરન્ટાઈન કર્યાં છે.

વડોદરામાં નૈરોબીથી આવેલ વૃદ્ધ સહિત ઓમિક્રોન પોઝિટિવના વધુ બે કેસ નોંધાયા

વડોદરા, તા.૩૦

વડોદરામાં કોરોનાના કેસો વધવાની સાથે ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી વડોદરા શહેર-જિલ્લામાં ઓમિક્રોનના ૧૮ કેસ નોંધાયા હતા.

જાે કે, જે પૈકીના હરણી રોડ વિસ્તારના વૃદ્ધ દંપતી સહિત ૪, માંજલપુર વિસ્તારની મહિલા અને કિશોરી તેમજ નિઝામપુરા વિસ્તારની ૪૭ વર્ષીય મહિલા અને પ૩ વર્ષીય પુરુષ મળીને આજે ઓમિક્રોન પોઝિટિવ આવેલા વધુ ૯ દર્દીઓનો ર૪ કલાકમાં લીધેલા બે રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી.જાે કે, આજે નૈરોબીથી આવેલા ગોત્રી વિસ્તારના ૬પ વર્ષીય વૃદ્ધાનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ તા.૧૧મી ડિસેમ્બર હેલ્થ ચેકઅપ કરીને જીનોમ સિક્વન્સિંગના સેમ્પલો મેળવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. આજે તેમનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા ત્રણ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જાે કે, આ તમામ હોમ ક્વોરન્ટાઈન હતા. આજે આ ત્રણેયના ફરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત અન્ય એક સમા વિસ્તારના પ૩ વર્ષીય પુરુષનો ઓમિક્રોનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જાે કે, તેમની વિદેશની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પરંતુ પ્રારંભિક લક્ષણો જણાતાં રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતાં હોમ આઈસોલેશન કરાયા છે. જાે કે, તેમના પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ વડોદરામાં અત્યાર સુધી નોંધાયેલા ઓમિક્રોનના ર૦ પૈકી ૧૭ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. જ્યારે આજના બે સહિત ત્રણ વ્યક્તિઓ હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.