રાજ્યમાં ૧૦,૦૦૫ બેઠકો માટે ૩૯,૩૮૬ ઉમેદવારી પત્રો ભરાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, એપ્રીલ 2026  |   2079

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે ચૂંટણી જંગ વધુ રોમાંચક બન્યો છે. આજે રાજ્યભરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે આવતીકાલે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.

રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠકો માટે કુલ ૩૯,૩૮૬ ઉમેદવારી પત્રો ભરાયા છે. આ આંકડા દર્શાવે છે કે, સરેરાશ એક બેઠક દીઠ ચાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જે ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધાનું સંકેત આપે છે. ચૂંટણી આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યની ૧૫ મહાનગરપાલિકાની ૧,૦૪૪ બેઠકો માટે ૫,૯૮૪ ઉમેદવારી પત્રો ભરાયા છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ ૧૯૨ બેઠકો માટે ૧,૫૫૩ ફોર્મ નોંધાયા છે, જ્યારે સુરતમાં ૧૨૦ બેઠકો માટે ૧,૦૫૯ ઉમેદવારી પત્રો ભરાયા છે. આ બંને શહેરોમાં રાજકીય રસાકસી વધુ તેજ બનવાની શક્યતા છે.

નગરપાલિકાઓમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે. ૮૪ નગરપાલિકાની ૨,૬૨૪ બેઠકો માટે કુલ ૭,૮૧૮ ફોર્મ ભરાયા છે. ઉપરાંત ૧૧ નગરપાલિકાની ૧૩ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીમાં ૧૪૦ ઉમેદવારી પત્રો જમા થયા છે. પંચાયત સ્તરે સૌથી વધુ પ્રતિસ્પર્ધા જાેવા મળી રહી છે. ૩૪ જિલ્લા પંચાયતની ૧,૦૯૦ બેઠકો માટે ૪,૯૦૬ ફોર્મ ભરાયા છે, જ્યારે ૨૬૦ તાલુકા પંચાયતની ૫,૨૩૪ બેઠકો માટે સૌથી વધુ ૨૦,૬૩૮ ઉમેદવારી પત્રો નોંધાયા છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે.

ચૂંટણી પંચના નિયમો મુજબ, આજે તમામ ઉમેદવારી પત્રોની સ્ક્રૂટિની હાથ ધરાશે. આ દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજાેની ચકાસણી કરીને યોગ્યતા નિર્ધારિત કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અનેક સ્થળોએ રાજકીય દબાણ, સમજુતી અને સમીકરણો ગોઠવાતાં જાેવા મળશે. ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે કેટલાં ઉમેદવારો મેદાનમાં રહેશે અને કેટલાંક બેઠકો બિનહરીફ જાહેર થશે.

હાલ તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે જાેરશોરથી તૈયારી કરી રહ્યા છે. આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે. સ્થાનિક મુદ્દાઓ, વિકાસના પ્રશ્નો અને જ્ઞાતિ આધારિત સમીકરણો ચૂંટણીના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે. આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાનો જંગ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રાજકીય પ્રભાવ અને નેતૃત્વની કસોટી પણ માનવામાં આવી રહી છે. અંતે જનતા કોને પસંદ કરે છે અને કોના માથે જીતનો તાજ ચઢે છે તે પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે. રાજ્યના પોલીસ વડા ગગનદીપ ગંભીરએ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ અંગે સત્તાવાર પરિપત્ર જારી કરીને રાજ્ય પોલીસ મથક દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તમામ કર્મચારીઓ ફરજ પર હાજર રહેવું ફરજિયાત રહેશે. હાલ રજા પર રહેલા પોલીસ કર્મચારીઓને પણ તાત્કાલિક ફરજ પર પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, આ આદેશનું પાલન નહીં કરનાર કર્મચારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે પ્રાથમિકતા છે, તેથી કોઈપણ પ્રકારની ઢીલ સહન નહીં કરવામાં આવે. માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય સરકારી વિભાગોમાં પણ રજાઓ અંગે કડક નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે.

હાલ રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિવિધ પક્ષોના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે અને પ્રચાર જાેરશોરથી ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર તંત્રને સજ્જ રાખવામાં આવ્યું છે. પોલીસ તથા વહીવટી તંત્રને ૨૪ કલાક એલર્ટ પર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવશે અને જરૂર મુજબ વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution