પોરબંદર-

ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓમાં તથા અન્ય રાજયોમાં નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરી પૈસા તથા દાગીના પડાવી લઇ તરખાટ મચાવનારી ઇરાની ગેંગના ચાર આરોપીઓને પોરબંદર એલ.સી.બી.એ કુલ રુપિયા 5,29,755 ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક‌ ડૉ. રવિ મોહન સૈનીએ પોરબંદર જિલ્લામાં બનેલી મિલકત સબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.દવેને સુચના કરી હતી, જે અનુસંધાને પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા સાહેબ તથા પો.ઇન્સ.એલ.સી.બી. નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કમલાબાગ પો.સ્ટે. તેમજ અન્ય ગુનાની તપાસ કરતા હતા. તે દરમિયાન જાણવા મળ્યું કે, કમલાબગ પો.સ્ટે.માં જે ગુનો બનેલો છે. તે પ્રકારની એમ.ઓ.ના ગુના તે જ દિવસે ડભોઇ, રાજકોટ સીટી, ગોંડલ સીટીમાં પણ બનાવ બન્યો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે, ત્યારે પોરબંદરમાં નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરતી ઇરાની ગેંગના ચાર આરોપીઓને પોરબંદર પોલીસે ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.