લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
1980
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સુરતના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે હવે કુલ ૪૮૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ૧૬ ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચ્યા હતા. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારમાં વોર્ડ ૧૮ લિંબાયત-પરવટ-કુંભારિયાના સંજય રામાનંદી અને વોર્ડ નંબર ૧ જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડના ઉમેદવાર બોની પટેલનો સમાવેશ થાય છે
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને લઈને રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ બન્યું છે.શહેરના કુલ ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે હવે કુલ ૪૮૩ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જાેવા મળશે. શરૂઆતમાં ૧૦૫૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ચકાસણી પ્રક્રિયા દરમિયાન ૫૬૧ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. અંતિમ દિવસે વધુ ૧૬ ઉમેદવારોએ પોતાના નામાંકનપત્રો પરત ખેંચતા હવે મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા ૪૮૩ પર આવી પહોંચી છે. ફોર્મ પરત ખેંચનારામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૧૮ (લિંબાયત-પરવટ-કુંભારિયા)માંથી સંજય રામાનંદી અને વોર્ડ નંબર ૧ (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ)માંથી બોની પટેલે ઉમેદવારી પાછી ખેંચી હતી. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ત્રિપક્ષીય સ્પર્ધા ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.આગામી ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં શહેરના લાખો મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. ભારતનું ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ વહીવટી તંત્ર દ્વારા મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેની કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક છે. ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા હવે તમામ ૩૦ વોર્ડમાં ચૂંટણી પ્રચાર વધુ વેગવાન બનવાની શક્યતા છે. મુખ્ય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ઘરઘર પ્રચાર, સભાઓ અને રોડ શો દ્વારા મતદારોને આકર્ષવાના પ્રયાસો કરશે. આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ, વિકાસના પ્રશ્નો અને નાગરિક સુવિધાઓ મુખ્ય એજન્ડા બની શકે છે. પરિણામે, આવનારી ચૂંટણી શહેરના રાજકીય દિશાને નક્કી કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફૉર્મ ચકસણી બાદ વોર્ડ નં. ૧૨ (નાણાવટ - સૈયદપુરા - કુબેરનગર - મહિધરપુરા) કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફાર્મ રદ થયું છે. ઉમેદવાર ભુપેન્દ્ર પટેલ ફોર્મ નંબર પાંચમાં કોંગ્રેસ પાર્ટીનું નામ લખવાનું જ ભૂલી ગયા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર ૧૮માં અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંગ ચૌધરીનું ફાર્મ રદ થતાં ભાજપના ષડયંત્રનો આક્ષેપ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.આ ઉપરાંત વોર્ડ નં.૨૧માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દક્ષાબેન ભાવસારે ઉમેદવારી પત્રક સાથે નમુના નં.૨૩ મુજબનું સોગંદનામું રજુ કર્યુ ન હતું. તેથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં.૨૦માંથી ગિરીશભાઈ ચૌધરી અને વોર્ડ નં.૨૮માંથી આમ આદમી પાર્ટીના જ ગીતાબેન બલદાણીયાનું ફોર્મ રદ થયું હતું. આમ મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.
સુરત શહેરમાં આજે રાજકીય વાતાવરણ ગરમાયું હતું, જ્યારે સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પાંચમા માળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ઘટનાસ્થળે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે.