કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના 5 આંચકા અનુભવાતા ફફડાટ
13, ઓક્ટોબર 2020 396   |  

ગાંધીનગર-

ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. કચ્છમાં મોડી રાત્રે ૧૨.૩૦ કલાકે વાગ્યે ૨.૮ ની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે ૧૨.૩૦થી લઈને સવારે ૬.૦૦ વાગ્યા સુધી અલગ અલગ તીવ્રતાના ૪ આંચકા અનુભવાયા છે. ૨.૮ અને ૧.૯ ની તીવ્રતાના આ આંચકા હતા. કચ્છના ખાવડા, રાપર, ભચાઉ અને દૂધઈ નજીક આ આંચકા અનુભવાયા છે. રાપરથી ૩ કિલોમીટર દૂર અને ખાવડાથી ૪૬ કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. ભચાઉથી ૧૪ અને દૂધઈથી ૧૫ કિલોમીટર દૂર આ કેન્દ્રબિંદુ હતુ. ત્યારે કચ્છમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે.

આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે રિલીઝ થતાં મોટો ભૂકંપ આવશે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નુકસાન થવાનો અંદાજો છે. ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી ૧૮૦ કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે. છેલ્લે કચ્છ લેન્ડ ફોલ્ટ લાઇનમાં ૪૨૭ વર્ષ પહેલાં મોટો ભૂકંપ અનુભવાયા બાદ ફોલ્ટ સુષપ્ત હતો, પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ સહિતનો વ્યાપ વધવા સહિતના લીધે આ ફોલ્ટ પર દબાણ આવતાં આ ફોલ્ટ ફરી એકવાર સક્રિય બન્યો છે. તેના જ લીધે ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ આવેલો કે તેનાથી પણ વધુ શક્તિશાળી ભૂકંપનો આંચકો કચ્છને આગામી વર્ષમાં ધ્રુજાવી શકે છે. ૫થી લઇને ૭ની તીવ્રતા સુધીના આંચકાથી કચ્છમાં મોટી નુકસાની થશે, પણ તેની વિઘાતક ગણાય તેવી અસર અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વ્યાપકપણે અનુભવાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution