લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026 |
2970
લંબેહનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંકમાં બેખૌફપણે લૂંટ કરનાર બદમાશ ટોળકીને મોબાઇલ સર્વેલન્સ અને સીસી કમેરા ફૂટેજનાં આધારે ટ્રેસ કરવા પોલીસ કવાયત કરી રહી છે. ટેકનિકલ સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે વેલંજા, કઠોર અને સાયણ પંથકમાં ક્રાઇમબ્રાન્ચની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર એફિલ ટાવરની બાજુમાં શક્તિ ટાવરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા કાર્યરત છે. ૨૭મી એપ્રિલ, સોમવારે બપોરે એકથી બે વાગ્યા સુધી છ લૂંટારુઓએ બેન્કમાં આતંક મચાવ્યો હતો. પિસ્ટલની અણીએ બેન્કનાં સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસીએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિટકાર્ડનું કામ કરતી રિદ્ધિ અને પ્યુન ગૌરવ ચૌધરી તથા એ.ટી.એમ.નો ગાર્ડ ગજેન્દ્ર પાટીલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને ધમકાવી રોકડા ૫૦ લાખની લૂંટ કરવામાં આવી હતી. આ ટોળકીને સીસીટીવી ફૂટેજને આધારે ટ્રેક કરતા તેઓ ત્રણ બાઈક પર કતારગામ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામથી વાલક જંક્શન થઈ ઉમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતા. આ ત્રણ બાઈક પર તેમનો સાતમો સાગરીત પણ પોલીસને જાેવા મળ્યો હતો.
લૂંટારુઓએ બેંકમાં ઘૂસતાં જ કર્મચારીઓ ઉપરાંત ગ્રાહકોના મોબાઇલ ઝૂંટવી લીધા હતા. કોઈ કોલ કે મેસેજ ન કરે એની તકેદારી રાખતા લઇ લેવાયેલા મોબાઇલ ફોન લૂંટાઓ તેમની સાથે લઇ ગયા હતા. આ ફોનથી પોલીસ પોતાના સુધી પહોંચી શકે એવું જાણતા આ બદમાશોએ આ ફોન અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. લૂંટારૂઓએ ફેંકેલો પહેલો ફોન સવા બે વાગ્યે એક રાહદારીને શ્યામધામ પાસેથી મળ્યો હતો. જે તેણે લસકાણા પોલીસને આપતાં પોલીસ ધારવા કરતા ઝડપથી લૂંટારુઓને ટ્રેક કરવામાં સફળ રહી હતી. છેલ્લો ફોન કઠોર પાસેથી મળ્યો હતો. જેથી લૂંટારુઓ હાઇવે થઇ આગળ વધી ગયા હોવાનું જતાવી શકાય. લૂંટારુઓ વેલંજા અને ગ્રામ્ય વિસ્તારમાં છુપાયા હોવાની શંકા સાથે ત્યાં સર્ચનો દાયરો વધાર્યો હતો.
સીસી કેમેરા ફૂટેજ તથા મોબાઇલ સર્વેલન્સથી પોલીસ આ લૂંટારૂ ટોળકીને ટ્રેસ કરવા કવાયત કરી રહી છે. જાે કે, ત્રીજા દિવસે પણ તેમાં કોઇ સફળતા મળી ન હોવાનું કહેવાય છે. પોલીસ અધિકારીઓએ અમને કેટલીક મહત્વની લીડ મળી છે, જેના આધારે તપાસ કરાઇ છે. ટેકનીકલ સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે વેલંજા, કઠોર અને સાયણ પંથકમાં ક્રાઇમબ્રાન્ચની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અમે લૂંટારૂઓને ઝડપી પાડીશું એવું જણાવી રહ્યા છે.