વડોદરા, તા.૨૧

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી છૂટાછવાયા હળવા ઝાપટાંને બાદ કરતાં વરસાદે લગભગ વિરામ પાળ્યો છે. વરસાદના વિરામના ૭૨ કલાક થવા છતાં પૂર્વ વિસ્તારની પ૦ જેટલી સોસાયટીઓના રોડ પર હજી વરસાદી પાણી ભરાયેલાં રહેતાં લોકોએ પાલિકાતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂનની કામગીરી ૧૦૦ ટકા પૂરી કરાઈ હોવાના મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાતાં દાવાઓ પોકળ સાબિત થયા હતા અને પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. તાજેતરમાં રાત્રિ દરમિયાન થયેલા સાડા ત્રણ ઈંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં, તેમાંય પૂર્વ વિસ્તારની ર૦૦થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

જાે કે, ધોધમાર વરસાદ બાદ છેલ્લા ત્રણ દિવસથી છૂટછવાયા ઝાપટાંને બાદ કરતાં લગભગ વરસાદે વિરામ પાળ્યો છે. પરંતુ વરસાદના છેલ્લા ૭૨ કલાકથી વિરામ છતાં પૂર્વ વિસ્તારની પ૦ જેટલી સોસાયટીઓના રોડ પર હજી વરસાદી પાણી ભરાયેલાં રહેતાં સાથે વરસાદી પાણીનો નિકાલ નહીં થવાથી કાદવકીચડ થતાં ગંદકીની સાથે મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે અને કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

અનેક રસ્તાઓ ખખડધજ બન્યા ઃ રોડ પર પડેલા ખાડાઓથી લોકો પરેશાન

વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવે છે, જ્યારે ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે તમામ ખાડાઓ પૂરીને પેચવર્કની કામગીરી કરવામાં આવે છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું શરૂ થતાં રોડ તૂટવાની સાથે ખાડાઓ પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર ખાડાઓ પડીને ખખડધજ થતાં વાહનચાલકો પરેશાન થયા છે અને રોડ પર ખાડા કે ખાડા વચ્ચે રોડ? તેવા સવાલો કરી રહ્યા છે. તેમાંય ખાસ કરીને ઓ.પી. રોડ પર બની રહેલા બ્રિજની બાજુનો સર્વિસ રોડ સહિત શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર ખાડા પડતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.