ભરૂચ, તા.૧

ગુજરાતની ૧૪મી વિધાનસભામાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં ૩૨ ઉમેદવારોએ પ્રચારના છેલ્લા દિવસ સુધી જાેરશોરથી પ્રચાર કર્યો હતો અને મતદાતાઓને મતદાન કરવા રિજવ્યા હતા. જાેકે રાજકીય ગણતરીઓમાં અસમંજસ વચ્ચે ગતરોજ ભરૂચ જિલ્લામાં મતદારો મતદાન કરવા અને લોકશાહીનો પર્વ ઉજવવા વહેલી સવારની ગુલાબી ઠંડીના માહોલમાં બુથ પર પહોચી ચુક્યા હતા. વૃદ્ધ, શારીરિક ખોડ ધરાવતા અને પ્રથમ વખતના મતદાતાઓ વોટિંગ બુથ સુધી વોટ કરવા પહોંચતા ચૂંટણીપર્વની ઉજવણી થઈ હોય તેવો માહોલ જાેવા મળ્યો હતો. સવાર ૯ થી સાંજ ૫ વાગ્યા સુધી તબક્કાવાર મતદાન થયું હતું. જેમાં સવારે મતદાનમાં થોડી ગતિ મળ્યા બાદ બપોરે ઓછું મતદાન અને બપોરબાદ મતદાનમાં વધારો જાેવા મળ્યો હતો. ૧૫૦-જંબુસર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામી, કોંગ્રેસના બીજી વખતના ઉમેદવાર સંજયસિંહ સોલંકી, આપના ઉમેદવાર સાજીદ રેહાન સહિતના ઉમેદવારોએ મતદાન કર્યું હતું. ૧૫૧-વાગરા વિધાનસભામાં બે વખતના ધારાસભ્ય અને ત્રીજી વખત ઉમેદવારી નોંધાવતા અરુણસિંહ રણાએ વાગરા તાલુકાના અમલેશ્વર ખાતે મતદાન કર્યું હતું, કોંગ્રેસના બીજી વખતના ઉમેદવાર સુલેમાન પટેલએ પોતાના સમર્થકો સાથે જાેલવા ખાતે તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યેન્દ્રસિંહ રાજે પોતાના વિસ્તારમાં મતદાન કર્યું હતું જ્યારે નિર્ણાયક કહી શકાય તેવા અપક્ષ ઉમેદવાર કમલેશ મઢીવાલાએ પણ સમર્થકો સાથે મતદાન કર્યું હતું. ૧૫૨-ઝઘડિયા વિધાનસભામાં સાત વખતના ધારાસભ્ય અને આઠમી વખતના ઉમેદવાર છોટુ વસાવાએ સમર્થકો સાથે મતદાન મથક પહોંચી મતદાન કર્યું હતું. ભાજપના ઉમેદવાર સેવંતુ વસાવાએ વાલિયા ખાતે મતદાન કર્યું હતું. કોંગ્રેસમાં ફતેસિંહ વસાવાએ ધારોલી ખાતે મતદાન કર્યું હતું. આપના ઉમેદવાર ઊર્મિલાબેન ભગતએ અંકલેશ્વર ખાતે મતદાન કર્યું હતું. ૧૫૩-વિધાનસભામાં ભાજપના રમેશભાઈ મિસ્ત્રીએ ભોલાવ ખાતે સમર્થકો સાથે મતદાન કર્યું હતું. કોંગ્રેસી ઉમેદવાર જયકાંત પટેલ માંડવા ગામ ખાતે સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. આપના ઉમેદવાર મનહર પરમાર પણ ભરૂચમાં મતદાન કર્યું હતું. ૧૫૪-અંકલેશ્વર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુડાદરા ખાતે સહ પરિવાર મતદાન કર્યું હતું.

ઝઘડિયા વિધાનસભાના કેસર ગામ ખાતે શૂન્ય મતદાન

રાજ્યમાં ૧૪ મી વિધાનસભાના પહેલા ચરણમાં મતદાન થઈ રહ્યું હતું જ્યારે બીજી તરફ ૧૫૨-ઝઘડિયા વિધાનસભાના કેસર ગામે મતદારોએ એકપણ વોટ નહિ આપી સરકાર અને તંત્ર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરી ચૂંટણી બાદ ગાયબ થઈ જતા નેતાઓ માટે કેસર ગામ ઉત્તમ ઉદાહરણરૂપે ઉભરી આવ્યું છે. નદી કિનારે આવેલ કેસર ગામેથી ઇટકલા ગામ એકાદ કિલોમીટરના અંતરે આવેલ છે. કેસરગામના લોકો ઇટકલા અને દહેલી ગામે શિક્ષણ, આરોગ્ય, બેન્ક વ્યવહાર સહિતની કામગીરી માટે જતા હોય છે. એકાદ કિલોમીટર દૂર આવેલ ગામ ચોમાસા દરમિયાન નદીમાં પાણીનું વહેણ વધી જતાં ગામના રહીશોને ૧૪ કિલોમીટરનો ફેરાવો થતો હોય છે. જેમાં કેસર ગામથી દહેલી જવા માટે ૧૨ કિલોમીટર વાલિયાથી વાયા કરી જવું પડતું હોય છે. જે બાબતે સ્થાનિક રહીશો અને આસપાસના ગામના રહીશોએ નદી પર ઊંચો પુલ બનાવવા વર્ષોથી માંગ કરી રહ્યા છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા ધારાસભ્ય, જિલ્લા કલેકટર, સહિત રાજયના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને સંબોધી આવેદનો પણ આપ્યા છે.

પિરામણ ખાતે સ્વ.અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ મતદાન કર્યું

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળા ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલના પુત્ર અને પુત્રી એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, અને કોંગ્રેસ ની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝબેન પટેલ અને પુત્ર ફૈઝલ પટેલે પીરામણ ગામ ખાતેની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું, આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુમતાઝબેન પટેલે જણાવ્યું હતું કે જનતા નો ઉત્સાહ જાેઈને લાગી રહ્યું છે પરિવર્તન આવશે અને કોંગ્રેસ ની જીત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.