વડોદરા, તા. ૧

શહેર નજીક રિલાયન્સ કંપનીમાં આવેલા સેન્ટ્રલ વેરહાઉસમાંથી ગત ડિસેમ્બર માસમાં ૧.૧૫ કરોડથી વધુની કિંમતના ડેવિડ બ્રાઉન ગ્રીવ્સ લી. કંપનીના કાંસાની ધાતુની બનાવટના અત્યંત મોંઘાદાટ એવા સ્પેરપાર્ટસ પૈકી ત્રણ ઈમ્પેલર અને બે પ્લંજરની ભેદી સંજાેગોમાં ચોરી થઈ હતી. આ બનાવની પ્રાથમિક તપાસ બાદ કંપની અધિકારીએ જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીમાં કંપનીના જ કોઈ કર્મચારીઓની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસ તપાસ કરી હતી જેમાં પીએસઆઈ લીંબોલાને માહિતી મળી હતી કે આ ચોરીમાં કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કલ્પેશ ઉર્ફ કલો રણજીત પઢિયાર(અનગઢગામ,કૃષ્ણનગર ), રાજેન્દ્ર ઉર્ફ રાજુ રમણ ગોહિલ(અનગઢગામ,વખતપુરા),વિજય ઉર્ફ શનો પુંજાભાઈ ગોહિલ(અનગઢગામ,વખતપુરા), અશોક જશુભાઈ ગોહિલ (અનગઢગામ,કૃષ્ણનગર), રણજીતસિંહ ચંદ્રસિંહ ગોહિલ (અનગઢગામ, વખતપુરા) અને સુરેશ રામસીંગ પઢિયાર (કોયલીગામ, જાદવનગર સોસાયટી)ની સંડોવાયેલા છે. આ તમામ આરોપીઓને હેકો ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ અને એલઆરડી ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ સહિતના સ્ટાફે ઝડપી પાડી તેઓની કડકડાઈથી પુછપરછ કરી હતી. પુછપરછમાં આરોપીઓએ ઉક્ત ચોરીની કબૂલાત કરતા પોલીસે તેઓની પાસેથી ૬૯ એમએમનું ટંગસ્ટન્ટ કાર્બાઈડ ધાતુના બે ૫૨.૧૪ લાખથી વધુની કિંમતના બે પ્લંજર કબજે કરી અન્ય મુદ્‌ામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.