રાજકોટ-

રાજકોટમાં પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક અધધ.. વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ લોકોના મોત થયા છે. એટલે કે પહેલીવાર મૃત્યુઆંક અચાનક બમણો નોંધાયો છે. સિવિલમાં ૨૬ના અને ખાનગી હોસ્પિટલમાં ૬ લોકોના મોત નિપજ્યાં છે. જયંતિ રવિ આજે રાજકોટમાં છે. ત્યારે પહેલીવાર મૃત્યુઆંક ડબલ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ૪૮૦૦ને પાર પહોંચી ગઈ છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે એક જ દિવસમાં ૧૧૬ કેસ આવ્યા હતાં. જેમાંથી ગ્રામ્યના ૩૨, શહેરના ૮૪ કેસ નોંધાયા હતા. જ્યારે એક જ દિવસમાં ૧૭ મોત નીપજ્યાં હતાં. જેમાં ૧૫ રાજકોટ, જ્યારે ૨ અન્ય જિલ્લામાંથી છે. આ સાથે રાજકોટમાં કુલ કેસની સંખ્યા ૪૮૯૭ થઈ છે.

જામનગર જિલ્લામાં ૧૦૧, મોરબી જિલ્લામાં ૨૩, જૂનાગઢ જિલ્લામાં ૨૫, અમરેલી જિલ્લામાં ૨૮, ગીર સોમનાથ ૧૪ કેસ અને એક મોત તેમજ પોરબંદર જિલ્લામાં ૧૫ કેસ અને ૩ મોત નોંધાયા હતાં. રાજકોટ શહેરમાં પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ ગઈકાલે મનપા કચેરી ખાતે શહેરની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો સાથે એક ખાસ બેઠક યોજી જુદા જુદા મુદ્દાઓ અંગે પરામર્શ કર્યો હતો.

જયંતિ રવિએ કહ્યું હતું કે, હાલ માત્ર ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્ય્šં છે ત્યારે વહીવટી તંત્રને એન.જી.ઓ. તથા નાગરિકોના સાથ સહકારની પણ એટલી જ આવશ્યકતા છે. આપણે સૌએ કોરોનાથી બચવા માટેના પ્રયાસનો સતત વ્યાપક પ્રચાર પ્રસાર કરવા "જન આંદોલન" છેડવાની જરૂરિયાત છે. સમાજમાં સારો મેસેજ પ્રસરે અને લોકો વધુ જાગૃત અને સતર્ક બને તે માટે સૌ આગેવાનો હેન્ડ વોશનો વીડિયો શેર કરવા અપીલ કરી હતી.