પાટણ-

પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર લણવા ગામ નજીક દૂધ ભરેલા ટેન્કર અને સુરતથી મેથાણિયા ગામે સીમંતના પ્રસંગમાં આવેલા પરિવારની કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા સવાર પાંચ પૈકી બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

પાટણ-મહેસાણા હાઈવે ઉપર ગુરુવારે સવારે સુરતથી મેથાણિયા ગામે સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારની કાર અને ચાણસ્મા તરફથી મહેસાણા તરફ જઈ રહેલા દૂધ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થવા પામ્યાં હતાં. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થતા થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો. ઘટનાને પગલે પોલીસને ૧૦૮ને જાણ કરતાં ઇજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલા લણવા સીએસસી સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલમાં ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, વધુ વિગતો હાલમાં બહાર આવી નથી.

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ગઇકાલે સુરતથી મેથાણિયા ગામમાં પ્રસંગમાં હાજરી આવ્યો હતો અને આજે કંઇક ચીજ-વસ્તુ લેવા જતાં પરિવારની કારને ટેન્કરે ટક્કર મારતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. ત્રણ લોકોના મોતની વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઇ હતી, જેથી ગ્રામજનો ને પરિવારનાં સ્નેહીજનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક વધુ સારવાર માટે લોકોને મહેસાણા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. દુઃખદ ઘટનાને લઇ સમગ્ર ગામમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના મોભી અને ગામના સરપંચ તુલસીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોતનો પુત્ર પરિવાર સાથે સુરત ડેરી ચલાવે છે અને મેથાણીયા ગામે સામાજિક આ પ્રસંગે સુરતથી ગઈકાલે જ પરિવાર સાથે આવ્યો હતો અને આજે સવારે પરિવારના કામ માટે તે પોતાની ગાડી લઈને મેથણીયા ગામેથી વસ્તુ લેવા લણવા તરફ જઈ રહ્યો હતો. લણવા તરફ જતાં તેની કાર સાથે સામેથી પુરઝડપે આવી રહેલુ દૂધનું ટેન્કર અથડાતાં મારા દીકરાનું તેમજ તેની માસૂમ દીકરી સહિત અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. તો મારા દીકરાના દીકરાને તેમ જ અન્ય એક વ્યકિતને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.