અંક્લેશ્વર, તા.૨૫ 

પાનોલી જીઆઈડીસીમાં આવેલ ખાતર બનાવતી કંપનીમાં જેસીબી મશીન નીચે કચડાઇ જતા ૭ માસ નાં બાળકનું મોત નીપજ્યું હતુ. અકસ્માત સર્જીને જેસીબીનો ચાલક ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મુળ દાહોદ જિલ્લા નાં ગરબાડા તાલુકાનાં નવા ફળીયા ગામના રહેવાસી મુકેશ બીલવાડ કે જેઓ પાનોલી જીઆઇડીસી માં આવેલ ખાતર બનાવતી કંપનીમાં મજૂરી કામ કરે છે. તેઓ પત્ની અને ૨ બાળકો સાથે પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં જ રહે છે. મુકેશ બીલવાડ ગત શુક્રવારે કંપનીની ઓરડીમાં આરામ કરી રહ્યા હતા અને તેઓની પત્ની અને અન્ય વ્યક્તિઓ કંપનીમાં મજુરી કામ કરવા માટે ગયા હતા. તે દરમ્યાન મુકેશ બીલવાડનો સાળો મહેશ મોહનીયા તેના ૭ માસના ભાણા ક્રિશને લઇને કંપનીમાં આવેલ ૧૭ નંબર નાં પ્લોટ તરફ રમવા લઇ ગયો હતો. જોકે બપોરે ૩ વાગ્યા સુમારે મેસર્સ પુષ્પા જે. શાહ કંપીનીનું જેસીબી માટી ભરવા માટે જઇ રહ્યું હતુ, ત્યારે જેસીબી રિવર્સ લેતી વખતે ૭ માસનો ક્રિશ ત્યાં રમી રહ્યો હતો.

મામા મહેશ મોહનીયાએ બૂમાબમ કરી મુકી હતી. પરંતુ જેસીબી નાં ચાલકે કાનમાં મોબાઈલના ઈયર ફોન લગાવ્યા હોવાથી તેને બૂમો સંભળાઈ ન હતી. જેથી બાળક ઉપર જેસીબી મશીન ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. અકસ્માતની ઘટના બાદ જેસીબી નો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઘટના સંદર્ભે મૃતક બાળક નાં પિતાએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર જેસીબી નાં ચાલકને ઝડપી લેવા માટે નાં ચક્રો ગતિમાન કર્યા હતા.