વડોદરા, તા.૫

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠક પર આજે યોજાયેલી ચૂંટણીમાં ૨૬.૦૬ લાખ મતદારો પૈકી અંદાજિત ૬૩.૩૪ ટકા મતદારોએ મતદાન કરીને ૭ર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ કર્યું છે. જાે કે, વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ૭૩.૧૬ ટકા જેટલું મતદાન થયું હતું. આમ ગત ચૂંટણીની સરખામણીમાં ૮ થી ૧૦ ટકા જેટલું ઓછું મતદાન થયું છે. ત્યારે મતદારોએ કોને મતદાન કર્યું છે તેની સ્પષ્ટતા તા.૮મીએ મતગણતરી બાદ જ થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે વડોદરા શહેર-જિલ્લાની ૧૦ સહિત ૯૩ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ તબક્કાની જેમ ગત ચૂંટણીની સરખામણીમાં નીરસ કહી શકાય તેમ ઓછું મતદાન થયું હતું. સવારે ૮ થી પ દરમિયાન મતદાનનો સમય હતો ત્યારે સવારે મતદાનની શરૂઆત સાથે ગુલાબી ઠંડીના માહોલમાં અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જાેવા મળી હતી, જે જાેતાં એક તબક્કે ૭૦ ટકાથી વધુ મતદાન થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી.

જાે કે, મોકપોલ સમયે તેમજ મતદાનની પ્રક્રિયા પ્રારંભ થતાંની સાથે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ ખોટકાવાના કે યાંત્રિક ખામી સર્જાતાં તંત્ર દ્વારા ગણતરીના સમયમાં બદલીને મતદાન પ્રક્રિયાનો ફરી પ્રારંભ કરાવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલ મતદાનના પ્રારંભિક કલાકોમાં એટલ કે ૧૧ વાગ્યા સુધી રાજકીય પક્ષોના અગ્રણીઓ, કાર્યકરો સહિતે મતદાન કરતાં ૧૮.૭૭ ટકા મતદાન થયું હતું. જાે કે, ૧૦ વાગ્યા બાદ ઠંડીમાં ઘટાડો થતાં મતદારોનો ઉત્સાહ યથાવત્‌ રહ્યો હતો. જ્યારે ૧ર વાગ્યા પછી બપોરના સમયે ઘરકામ પતાવીને ગૃહિણીઓ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૪.૦૭ ટકા મતદાન થયું હતું.

જાે કે, કેટલાક સ્થળે મતદારયાદીમાં નામો નહીં હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી. પરંતુ અનેક મતદાન મથકો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ યથાવત્‌ જાેવા મળ્યો હતો અને બપોરે ૩ વાગ્યા સુધી ૪૯.૬૮ ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે મતદાનનો સમય પૂરો થતાં સુધી વડોદરા જિલ્લાની ૧૦ બેઠકો પર નોંધાયેલા ર૬.૦૬ લાખ મતદારો પૈકી અંદાજિત ૧૬.૬૦ લાખ જેટલા મતદારોએ મતદાન કરતાં અંદાજિત ૬૩.૩૪ ટકા મતદારોએ મતદાન કરીને ૭ર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું.

ગત વર્ષ ર૦૧૭ની ચૂંટણીની સરખામણીમાં ૯ થી ૧૦ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે રૂટવાઈઝ બૂથ પરથી ઈવીએમ સાથે સ્ટાફને રિસિવિંગ સેન્ટર પર લાવવાની સાથે મોડી રાત્રે ઈવીએમને પોલિટેકનિક ખાતે સ્ટ્રોંગરૂમમાં મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વખતે પણ શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ વધુ જાેવા મળ્યો હતો.

પ્રથમ ત્રણ કલાકમાં ૧૯ ટકા મતદાન થતાં કાર્યકરોમાં દોડધામ

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો પર મતદાનના પ્રારંભ બાદ પ્રથમ ત્રણ કલાકમાં માત્ર ૧૯ ટકા તેમાંય શહેરની પાંચ બેઠકો પર તેના કરતાંય ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોના અગ્રણીઓ અને કાર્યકરોએ દોડધામ કરી હતી, તેમ છતાં ગત ચૂંટણીની સરખામણીમાં ૮ થી ૧૯ ટકા જેટલું ઓછું નીરસ મતદાન રહ્યું હતું.

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો પર સવારે ૮ વાગે ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે મતદાન શરૂ થયું હતું. તેના કારણે કેટલાક મતદાન મથકોને બાદ કરતાં અન્ય મતદાન મથકો પર પાંખી હાજરી જાેવા મળી હતી. જેના પગલે મતદાન પ્રારંભ થયાના પ્રથમ કલાકમાં માત્ર ૪.૮૯ ટકા જ મતદાન થયું હતું. જાે કે, ત્યાર પછી મતદાન વધે તેવી શક્યતા વચ્ચે ત્યાર પછીના બે કલાકમાં એટલે કે સવારે ૧૧ વાગ્યા સુધીમાં માત્ર ૧૮.૭૭ ટકા મતદાન નોંધાતાં નીરસ મતદાનથી રાજકીય પક્ષોના જીવ તાળવે ચોંટયા હતા અને પક્ષના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ મતદાનની ટકાવારી વધે તે માટે દોડધામ શરૂ કરી હતી. જાે કે, મતદાન પૂર્ણ થતાં સુધી નીરસ મતદાન રહ્યું હતું.

કઈ બેઠક પર અંદાજિત કેટલા ટકા મતદાન થયું

અકોટા ઃ ૫૯.૨૬%

ડભોઈ ઃ ૭૧.૨૨%

કરજણ ઃ ૭૦.૨૦%

માંજલપુર ઃ ૫૯.૪૦%

પાદરા ઃ ૭૧.૨૯%

રાવપુરા ઃ ૫૭.૬૯%

સાવલી ઃ ૬૯.૫૪%

સયાજીગંજ ઃ ૫૮.૧૨%

વડોદરા શહેર ઃ ૫૯.૯૦%

વાઘોડિયા ઃ ૬૭.૭૧%