વડોદરાનું ધો.૧૨ સા.પ્રવાહનું ૬૭.૧૯ ટકા પરિણામ
01, જુન 2023

વડોદરા, તા. ૩૧

ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ઓનલાઈન માધ્યમથી આજે પરીણામ જાહેર થયુ હતું ત્યારે શિક્ષણ નગરી વડોદરાનું સૌથી ઓછા પરીણામ ધરાવતા જીલ્લામાં સ્થાન આવ્યું છે. આ વર્ષે ગત વર્ષ કરતા ૯.૩૦ ટકાના ઘટાડા સાથે ૬૭.૧૯ ટકા પરીણામ આવ્યુ છે. જેમાં આ વર્ષે એ વન ગ્રેડ મેળવનાર માત્ર પંચાવન વિદ્યાર્થીઓ જ જાેવા મળ્યા હતા.

ધોરણ બાર સામાન્ય પ્રવાહનું આજે જાહેર થયું છે ત્યારે સમગ્ર જીલ્લાનું પરીણામ ૬૭.૧૯ ટકા નોંધાવાની સાથે ગત વર્ષ કરતા ૯.૩૦ ટકાનો ધટાડો જાેવા મળ્યો હતો. શિક્ષણની નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ૧૭,૮૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૧૧,૯૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે અન્ય ૫૮૭૨ વિદ્યાર્થીઓ નાપાસ થતા કભી ખુશી કભી ગમ જેવો માહોલ વિદ્યાર્થીઓમાં જાેવા મળ્યો હતો. આ વર્ષે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ માત્ર ૫૫ જ છે જ્યારે એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાં ૬૬૮ જાેવા મળી હતી. આમ , કોરોના કાળની વિદ્યાર્થીઓ પર અસર અને નબળાં શિક્ષણ સ્તરના કારણે વિદ્યાર્થીઓના પરીણામ પર અસર જાેવા મળી હતી. શહેરની વિવિધ શાળાઓ વિવિધ અદ્યતન સંસાધનોથી સજ્જ હોવા છતાં અનેેક સુવિધાઓ વિદ્યાર્થીઓને પુરી પાડવાં છતાં પણ પરીણામમાં ખાસ વધારો જાેવા મળ્યો ન હતો જેની અસર જીલ્લાના પરીણામ પર પણ જાેવા મળી હતી.

પરીક્ષાર્થીઓનું કેન્દ્ર અનુસાર પરિણામ

સયાજીગંજ ૬૬.૯૧%

રાવપુરા ૭૦.૧૨%

માંડવી ૬૮.૦૮

સમા ૭૫.૭૯%

ઈન્દ્રપુરી ૭૫.૦૫%

માંજલપુર ૬૮.૧૩%

ફતેગંજ ૬૫.૮૯%

અટલાદરા ૭૦.૧૨%

પ્રતાપનગર ૬૯.૩૪%

છાણી ૬૫.૧૫%

ફળની લારી ચલાવીને ગુજરાન ચલાવતા પિતાની પુત્રીએ એ-વન ગ્રેડ મેળવ્યો

લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતી રોઝી ફાતિમાના પિતા ફળની લારી ચલાવીને પરિવારમાં રહેતા આઠ સભ્યોનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમની દિકરીએ ધો.૧૨ (કોમર્સ)માં એ વન ગ્રેડ પ્રાપ્ત કરી હતી. તેને ૯૯.૯૬ પર્સન્ટાઈલ સાથે ૯૨.૫૩ ટકા પ્રાપ્ત કર્યા છે. તેઓ ભવિષ્યમાં સી.એ. બનાવાની ઈચ્છા ધરાવે છે.

છૂટક મજૂરી કરતી વિદ્યાર્થિનીએ ૯૨.૭૭ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા

કલાલી વિસ્તારમાં રહેતી કશીશ વાધેલાના પિતા છૂટક મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેની સાથે વાતચિત્ત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, તેઓ રાત્રે જાગીને માત્ર શાળામાં ભણીને વગર ટ્યુશને ૯૨.૭૭ પર્સન્ટાઈલ મેેળવ્યા હતા.

મહેતા વ્રજે સમગ્ર શહેરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

સેલ્સ મેન તરીકે ફરજ બજાવતા રોહિતકુમાર મહેતાનો પૂત્ર વ્રજ માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આજે જાહેર થયેલ પરીણામમાં તેને સમગ્ર શહેરમાં પ્રથમ નંબર મેળવીને શાળા, પરીવાર તેમજ પોતાનું નામ રોેશન કર્યું હતુ. તેને ગુજરાતીમાં ૯૧ , અગ્રેજીમાં ૯૪ , ઈકોનોમિકસમાં ૯૫, ઓર્ગેનાઈઝેશન ઓફ કોમ.માં ૯૮ , આંકડશાસ્ત્રમાં ૯૮ , એકાઉન્ટમાં ૯૯ ગુણ પ્રાપ્ત કરવાની સાથે કુલ ૯૯.૯૯ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution