વડોદરા, તા. ૨૭
દંતેશ્વર તળાવ સામે રામજી મંદિર પાછળ પરિવાર સાથે રહેતા પ્રિતીબેન ચેતનભાઈ ભૈયા વ્યવસાયે ગૃહિણી છે જયારે તેમના પતિ ઓટોરિક્ષા ડ્રાઈવીંગ કરે છે. ગત માર્ચ માસમાં તેમને જાણ થઈ હતી કે દંતેશ્વરના વચલા ફળિયામાં રહેતી વર્ષા મદનમોહન સક્સેના પર્સનલ લોન અપાવવાની કામગીરી કરે છે. પ્રિતિબેન તેમજ પાડોશી મહિલાઓ ગત ૮મી માર્ચે વર્ષાના ઘરે ગયા હતા જયાં તેણે જણાવ્યું હતું કે હું દરેક મહિલાને ઈન્ડિયા લેન્સ કંપનીમાંથી એક લાખથી માંડી પાંચ લાખની લોન અપાવું છું, કંપનીમાંથી લોન સેંકશન લેટર આવે એટલે ત્રણ હજાર ભરવા પડશે અને તે જ દિવસ મળવાપાત્ર લોન તમારા ખાતામાં જમા થઈ જશે.
તેની વાત પર ભરોસો મુકી પ્રિતીબેન સહિતની મહિલાઓએ આધારકાર્ડ, બેંક પાસબુકની કોપી સહિતના દસ્તાવેજાે વર્ષાને આપ્યા હતા. ત્યારબાદ ગત ૧૫મી માર્ચે વર્ષાએ લોનનો સેંક્શન લેટર આપતા પ્રિતીબેન સહિત પાડોશી મહિલાઓએ વર્ષાને ૩-૩ હજાર ગુગલ પે અને રોકડેથી આપ્યા હતા. જાેકે આખો દિવસ રાહ જાેવા છતાં ખાતામાં લોનની રકમ જમા નહી થતાં તેઓએ વર્ષાનો સંપર્ક કર્યો હતો જેમાં તેણે ૪થી એપ્રિલ સુધી રાહ જાેવા જણાવ્યું હતું અને ત્યારબાદ સમય પસાર કર્યો હતો. આ દરમિયાન પ્રિતીબેને તપાસ કરતાં તેમને જાણ થઈ હતી કે વર્ષા અને તેનો સાગરીત અંકિત બીપીન રાણા (ગુરુકૃપા સોસાયટી, સુલેમાની ચાલી સામે, પાણીગેટ)ઈન્ડિયા લેન્સ કંપનીના નામે લોન અપાવવાનું કહી ઠગાઈ કરી રહ્યા છે. પ્રિતીબેન અને અન્ય મહિલાઓ વર્ષાને મળી તે ઠગાઈ કરતી હોવાનું કહેતા વર્ષાએ જણાવ્યું હતું કે હું જે પૈસા તમારા પાસેથી લેતી હતી તે અંકિત રાણાને આપતી હતી અને અત્યાર સુધી તેને સાત લાખ આપ્યા છે. આ વાતના પગલે હોબાળો મચતા પ્રિતીબેનને જાણ થઈ હતી કે વર્ષા અને અંકીતે માત્ર દંતેશ્વર વિસ્તારમાં જ ૨૩૦થી વધુ મહિલાઓ સાથે આ રીતે ઠગાઈ કરી છે. આ બનાવના પગલે આજે છેતરાયેલી મહિલાઓનું ટોળું મકરપુરા ગયું હતું જયાં પ્રિતીબેનની ફરિયાદના પગલે પોલીસે વર્ષા સક્સેના અને અંકિત રાણા સામે ગુનો નોંધ તે પૈકીના અંકિતને ઝડપી પાડ્યો છે.
હજુ પણ ઠગાઈનો આંક વધવાની શક્યતા
વર્ષા અને અંકિતે લોન લેવા માંગતી મહિલાઓને એક જ નંબરના એપ્લીકેશન ફોર્મ આપ્યા બાદ બોગસ સેંકશન લેટર બનાવી ત્રણથી પાંચ હજાર પડાવ્યા છે. તેઓ મહિલાઓને એવી લાલચ આપતા હતા કે તમારા ખાતામાં પાંચ લાખ જમા થાય એટલે અમને પાંચ હજાર કમિશન આપવાનું રહેશે અને પાંચ લાખની લોનની ચુકવણી માટે દરમહિને ૧૦,૪૯૯નો હપ્તો પાંચ વર્ષ સુધી ભરવાનો રહેશે. વર્ષા અને અંકિતે શહેરના અન્ય વિસ્તારમાં પણ આ રીતે ઠગાઈ કરી હોઈ આ બનાવમાં ઠગાઈનો આંક હજુ પણ વધશે તેમ ભોગ બનેલી મહિલાઓએ જણાવ્યું હતું.
Loading ...