લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, એપ્રીલ 2026 |
3366
ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં ૫ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.
સંઘ બહુચરાજી તરફ જવા નીકળ્યો હતો
આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય રાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા છ પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ સાત લોકોના મોત નીપજ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને પકડી લેવામાં આવ્યો છે, જે લખતર તાલુકાના ઝામર ગામનો જ છે અને આ ટ્રક રાજકોટથી લખતર તરફ આવી રહી હતી.
પાંચ મહિલા અને બે પુરુષના મોત
સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ ૭ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.