દાહોદ, તા.૪
દાહોદ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા કલેક્ટરના જાહેરનામાંના ભંગ બદલ ચાર દુકાનોને સીલ મારી દેતા દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ઉપરોક્ત વ્યાપારીઓ કંટેઇન્મેન્ટ ઝોનમાંથી આવી વેપાર કરતા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જોકે કોરોના સંક્રમણને પગલે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરાતાં વ્યાપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોના સંક્રમણ વધવા પામ્યું છે.તેમાંય દાહોદ દાહોદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધારે ફેલાતા નગરપાલિકા તંત્ર જિલ્લા વહીવટી તંત્ર કોરોનાને વધુ વકરતો રોકવા માટે એક્શનમાં આવતા આજરોજ શહેરના ગોદીરોડ પર આવેલ વેરાયટી પાન કોર્નર,તેમજ શતિષભાઈ ગોવિંદરામ સ્ટોર, સ્ટેશનરોડ પર આવેલ ટ્રેસર કપડાનો શોરૂમ તેમજ જુના ઇન્દોર રોડ પર આવેલ સોનાલિકા ટ્રેક્ટરના શોરૂમના માલિકો કોવીડ -૧૯ ની ગાઇડલાઇન મુજબ કંટેઇન્મેન્ટ ઝોનમાંથી આવી વેપાર કરતા કલેક્ટરના જાહેરનામાના ભંગ થતાં ચીફ ઓફિસર અતુલ સિન્હા,પ્રાંત અધિકારી, મામલતદાર, તેમજ શહેર પોલીસની હાજરીમાં નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર દુકાનો સીલ મારી દેતા ખળભળાટ મચી જવા પામી છે.