29, ઓગ્સ્ટ 2025
ગાઝાસિટી |
2673 |
ગાઝામાં કુપોષણને કારણે 317 લોકોના મોત
ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા સિટી પર ઈઝરાયલી લશ્કરી કાર્યવાહી સતત ચાલુ છે. ગુરુવારે રાત્રે ગાઝા પર ઈઝરાયલી બોમ્બમારામાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે. અનેક ઈજાગ્રસ્ત થયા. અત્યાર ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં 71 લોકો માર્યા ગયા હોંવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા લોકો પર પણ કરવામાં આવેલા ગોળીબારમાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને 27 ઈજાગ્રસ્ત થયા હતા. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે જ્યાં સુધી હમાસ અને તેના સંલગ્ન સંગઠનોના માળખાનો ખાતમો ન થાય ત્યાં સુધી તેનું ઓપરેશન ચાલુ રહેશે.
ઓક્ટોબર 2023થી ગાઝામાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં 62 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. આ સાથે ખાદ્ય પુરવઠા પર પ્રતિબંધોને કારણે ભૂખમરા અને કુપોષણને કારણે 317 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 121 બાળકોનો સમાવેશ થાય છે.
ઈઝરાયલે ગાઝા સીટીમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. તાજેતરમાં જ સેનાના ટેન્કો શહેરની હદમાં પ્રવેશ્યા અને તોપમારો શરૂ કર્યો અને ખાલી ઘરો તોડી પાડ્યા હતા. સાથે અનેક જગ્યાએ હમાસના લડાકુઓ અને ઈઝરાયલી સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું.