વડોદરા, તા.૧૯

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ૮ સોસાયટીઓના રહીશોએ મતદાનના બહિષ્કારનાં બેનર્સ લગાવ્યાં છે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતાં શાક માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો છે. શાક માર્કેટ અને લારી-ગલ્લાઓના દબાણને કારણે સ્થાનિક રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. અનેક વખત તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો ર્નિણય કર્યો છે અને સોસાયટીઓ બહાર મતદાનના બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના નેતાએ મત માંગવા સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર્સ લગાડ્યા છે.

કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતાં શાક માર્કેટના દબાણથી પરેશાન સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમે મત આપવા માંગીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી, તો અમે શા માટે મત આપીએ? રોડ પર શાક માર્કેટ ભરાતું હોવાથી ટ્રાફિક જામ થાય છે અને સોસાયટીમાં લોકો વાહન પાર્ક કરે છે. આ શાક માર્કેટ હટાવવાની અમારી માંગ છે. કલાકુંજ-૨, ૩, હરિકૃપા, અજિતનાથ, કૃષ્ણકુંજ સહિત ૮ સોસાયટીઓના રહીશોએ તેમની સોસાયટીઓની બહાર શાકભાજી માર્કેટ અને લારી-ગલ્લાના દબાણોના કારણે મતદાનના બહિષ્કારનાં બેનર્સ લગાડતાં રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે.