કોરોનાના નવા ૮૧ પોઝિટિવ કેસ નોંધાયા
13, ઓગ્સ્ટ 2022

વડોદરા, તા.૨૦

શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધઘટ વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં ૬૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. આજે પણ વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિાયન કોરોનાના નવા ૮૧ કેસ સત્તાવાર નોંધાયા હતા. એકસાથે ૮૧ કેસ પોઝિટિવ નોંધાતાં કોરોનાની ચોથી લહેરની દહેશતથી શહેરીજનો ફફડી રહ્યા છે.

ગઈકાલે કોરોનાના નવા કેસ ૬પ જેટલા નોંધાયા હતા, જેની સરખામણીમાં આજે ૧૬ કેસના ઉછાળા સાથે નવા ૮૧ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. નવા કેસના ઉમેરા સાથે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૩૬,૦૮૭ થઈ હતી. હાલ શહેરમાં ૪૨૫ કોરોના કેસ એક્ટિવ હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ૩૯૯ દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ અને ૩૨૪ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. વધુ અસર ધરાવતા ૨૬ જેટલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બે દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. જાે કે, સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૪પ જેટલા દર્દીઓની તબિયતમાં સુધારો આવતાં હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન, હોમ ક્વોરન્ટાઈમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેની ગંભીરતા જાેતાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના એકતાનગર, અટલાદરા, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગાજરાવાડી, માંજલપુર, નવા યાર્ડ, નવી ધરતી ગોલવાડ, રામદેવનગર, કેલનપુર, મિયાંગામ, પ્રતાપપુરા સહિતના ૩૦થી વધુ અલગ અલગ વિસ્તારોમાં કોરોનાલક્ષી કામગીરી હાથ ધરતાં ૨૧૬૭ લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૮૧ જેટલા નવા કેસ પોઝિટિવ સામે આવ્યા હતા. સર્વે દરમિયાન શહેરના ચારેય ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં ૨૨, પૂર્વ ઝોનમાં ૧૦, ઉત્તર ઝોનમાં ૧૯, દક્ષિણ ઝોનમાં ૧૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૬ કેસ નોંધાયા હતા.

રોગચાળો નવા ર૦ કેસ નોંધાયા

કારેલીબાગમાં આવેલ ચેપીરોગ હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની અસર ધરાવતા જેવા કે શરદી, ખાંસી, ઝાડા-ઊલટી, કમળો, મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા રોગના દર્દીઓથી ઓપીડી ઊભરાઈ રહી છે. રોજબરોજ ૧પ૦ થી ર૦૦ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આજે પણ નવા ર૦ જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર બંધ રહેતાં ગ્રામ્યમાંથી આવતા અસરગ્રસ્તોની સંખ્યા ઓછી હોવાનું જાણવા મળ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution