લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026 |
વડોદરા |
3069
વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ગત ટર્મમાં ભાજપાએ ૨૭ બેઠકો જ્યારે કોંગ્રેસે ૭ બેઠકો જીતી હતી. પરંતુ કોંગ્રેસના બે સભ્યો ભાજપામાં જાેડાતા કોંગ્રેસની સભ્ય સંખ્યા ૫ રહી હતી. વડોદરા કોર્પોરેશની સાથે યોજાનારી વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૧૩૪ ફોર્મ ભરાયા હતા. આજે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૯ ફોર્મ અધુરી વિગતો કે, સમર્થકોની સંખ્યા સહિત મુદ્દે રદ્દ થયા હતા. જ્યારે ૯૫ ફોર્મ માન્ય રહ્યા હતા.
જાેકે, મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ અને ભાજપા વચ્ચે સીધો મુકાબલો જામશે. ત્યારે જિલ્લા પંચાયતની અનેક બેઠકો પર મુકાબલો રસાકસીભર્યો રહે તેવી શક્યતા છે. જાેકે, ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન વડોદરા જિલ્લા પંચાયતની વાધોડિયા તાલુકાની ગુતાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નાનાભાઈ ચંપકભાઈ વસાવાનું ફોર્મ રદ્દ થતા ભાજપાએ ચૂંટણી પૂર્વેજ ખાતુ ખોલાવ્યુ છે. આ બેઠક પર ભાજપાના ઉમેદવાર વિશાલકુમાર ભીખાભાઈ વસાવા બિનહરીફ થયા છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લા પંચાયતની ૮ તાલુકાની ૩૪ બેઠકોમાં સર્વાધિક ૭ બેઠકો વડોદરા તાલુકામાં છે.