સુરત-

સુરતમાં વૃદ્ધ મહિલાનું તેનાથી નાની ઉંમરના પ્રેમીએ જમવાનું ન બનાવી આપવાના મુદ્દે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આખરે પોલીસે હત્યા કરનાર ઇસમની ધરપકડ કરી લીધી છે.સુરતના ડિંડોલીના વિસ્તારમાં આવેલ સંતોષીનગર વસાહતમાં 45 વર્ષિય રોહિત સીમાંચલ સ્વાઈ તેની 65 વર્ષિય પ્રેમિકા સુલતાના સાથે લીવ ઇનમાં રહેતો હતો. રોહિત લોકોને એવું જ કહેતો કે સુલતાના તેની પત્ની છે. ત્યાં ગત 13 એપ્રિલે રોહિત સુલતાનાને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં ડોક્ટરોને કહ્યું હતું કે સુલતાનની તબિયત અચાનક બગડી અને હાલમાં જ તેને વેક્સિન લીધી હતી.

ડોક્ટરે તપાસ કરતા મૃત જાહેર કરી હતી. પોલીસે અકસ્માત નોંધ કરી હતી. તપાસ માટે પહોંચેલી ડીંડોલી પોલીસને લાશ જોતા શંકા ગઈ હતી, કારણ કે લાશ એકથી બે દિવસ જૂની હોય તેવું દેખાઈ રહ્યું હતું. મૃતકની આંખ પાસે કીડીઓ હતી. તેથી પોલીસે પીએમ કરાવતા ખુલાસો થયો હતો કે સુલતાનાનું ગળું દબાવી તેની હત્યા કરાઈ છે. પોલીસે સરકાર તરફે રોહિત વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી તેની ધરપકડ કરી છે.

પોલીસે રોહિતની પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે 12મી તારીખે રાત્રે સુલતાનાએ જમવાનું બનાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેથી ગુસ્સો આવતાં સુલતાનાની હત્યા કરી નાંખી હતી, બાદમાં તેની લાશની બાજુમાં સુઈ ગયો હતો. બીજા દિવસે વેક્સિનવાળી બોગસ સ્ટોરી ઘડી કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે બંને 22 વર્ષથી લિવ ઇનમાં રહેતા હતા.

હત્યા બાદ વેક્સિનના કારણે તબિયત બગડવાની અફવા તેણે સાંભળી હતી. જેથી હત્યા કર્યાના બે દિવસ પછી તેણે બે દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રાખ્યો હતો. તે મૃતદેહનો નિકાલ કરવા માંગતો હતો પરંતુ મોકો મળ્યો ન હતો, બીજી તરફ વધારે ગરમી પડતા મૃતદેહ સડવા લાગ્યો હતો, તેણે પકડાઈ જવાના ભયે વેક્સિનની વાર્તા ઉપજાવી કાઢી હતી. આરોપી મૂળ ઓરિસ્સાના છત્તરપુરનો છે. સુરત આવ્યા બાદ તે ક્યારેય પોતાના ગામ પરત ગયો નથી. જોકે મૃતક મહિલા વિશે કોઇ માહિતી મળી નથી. પોલીસે રોહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.