મુંબઈ-

ઈ-કોમર્સના વ્યવસાય સાથે સંકળાયેલી અને ઓનલાઈન રેડીમેડ ગાર્મેન્ટ્સનો દેશ-વિદેશમાં બહોળો બિઝનેસ ધરાવતી કંપની મિન્ત્રાના લોગોએ ભારે વિવાદ ઊભો કર્યો હતો. કંપનીના નવા બદલાયેલા લોગોમાં મહિલાઓના અંગોને બિનજરૂરી રીતે ઉત્તેજક અને અશ્લિલરૂપે બતાવવાનો પ્રયાસ કરાતાં તેની સામે કેટલાક જાગૃત નાગરીકોએ વિરોધ રજૂ કરતાં છેવટે કંપનીએ તે લોગો પાછો ખેંચી લેવો પડ્યો છે. 

કંપનીના લોગોમાં અનેક ઠેકાણે સ્ત્રી ગરીમાને ઠેસ પહોંચાડે એ રીતે ચિત્રણ કરાયું હતું. આ અશોભનીય કૃત્ય બાદ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે પણ આ બાબતનો સ્વીકાર કર્યો હતો અને આ લોગોને પાછો ખેંચી લેવાય છે એવી જાહેરાત તેમણે કરી હતી. મુંબઈના સાયબર સેલ સમક્ષ આ પ્રકારની એક ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. અવેસ્તા ફાઉન્ડેશનના કાર્યકર નાઝ પટેલે આ બાબતે વિરોધ નોંધાવીને ફરીયાદ કરી હતી. પોલીસ અધિકારી રશ્મી કરંદીકરે જણાવ્યું હતું કે કંપનીને આ બાબતે જાણ કરાતાં તેમણે આ પ્રકારના બિભત્સ લોગોને પાછો ખેંચવાની તૈયારી બતાવી હતી. એક મેઈલ કરીને કંપનીએ કહ્યું હતું કે, મહિલાઓને અશોભનીય લાગતા આ લોગોને કંપની પાછો ખેંચવા જઈ રહી છે.