હૈદરાબાદ-

પોલીસ માટે ગુનેગારને પકડવો તો સહેલો છે, પણ એક મરઘા જેવા નાના પક્ષીનો કેસ તેમને માટે મુશ્કેલ બની રહ્યો છે. આ મરઘો તેના માલિકના મોત માટે જવાબદાર મનાય છે અને ગોલપલ્લી પોલીસ માટે આ તપાસનો વિષય બની ગયો હોવાથી તેને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જીવાડવો એ તેમના માટે મોટો કોયડો બની ગયો છે. 

આ કેસ તેનુગલ્લાના એક 45 વર્ષીય શખ્સ નામે સતીશનો છે, જે લોથનુર ગામે એક મંદિરમાં ગયો હતો. અહીં લોકો મરઘા લડાઈ માટે એકઠા થયા હતા. 22મી ફેબ્રુઆરીના રોજ ચાકુથી થયેલી ઈજાઓને પગલે મોતને ભેટ્યો હતો. આમ તો મરઘા લડાઈ ગેરકાનૂની છે, પણ અહીં લોકો ચોરીછૂપીથી એકઠા થયા હતા. સતીશ પણ પોતાનો મરઘો પોતાની સાથે લઈ ગયો હતો. બન્યું એવું કે સતીશે પોતાના મરઘાને જેવો છૂટ્ટો મૂક્યો કે તેના પગ સાથે બાંધેલું ત્રણ ઈંચનું ચપ્પું કે જેને કોડી કથ્થઈ કહે છે તે તેના પેડુના ભાગમાં ઘૂસી ગયું હતું અને ભારે રક્તસ્રાવ થતાં તેનું મોત થયું હતું. 

અહીં પોલીસ થાણાના અધિકારી જીવને કહ્યું હતું કે, અમે મરઘાને અટકમાં રાખ્યો છે. થોડો સમય અમે તેને ઝાડ સાથે બાંધી રાખ્યો હતો પણ પછી તેને અમારી પાસે રાખ્યો છે અને તેની ચાકરી પણ કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, અમે તેને દાણા ખવડાવીને પાણી પાયું હતું અને પછી નજીકના એક પોલ્ટ્રીફાર્મમાં તેને સુરક્ષિત રીતે મોકલવામાં આવ્યો હતો. 

મરઘાએ ખૂન કર્યું એવો એના પર આરોપ ભલે ન ઘડી શકાય પણ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી તેનું રક્ષણ કરવું પડશે અને સલામત જીવતો રાખવો પડશે. પોલીસે કહ્યું હતું કે, મરઘાંને સુરક્ષિત રીતે એક ફાર્મ પર રાખવામાં આવ્યો છે.