વડોદરા, તા.૧

વડોદરા તાલુકાના દેણા ગામે વિશ્વામિત્રીના નદીકિનારે પાણીની બોટલ ભરવા માટે ગયેલ શખ્સ પર નદીકિનારે જ શિકારની શોધમાં બેઠેલ મગરને તરાપ મારીને હુમલો કર્યો હતો. મગરના હુમલામાં ઈજાગ્રસ્ત શખ્સને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

વડોદરા તાલુકાના દેણા ગામ નવીનગરીમાં રહેતો મહેશ પૂંજાભાઈ રાઠોડિયા (ઉં.વ.ર૪) ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતો હતો, તેની સાથે બકરાં ચરાવવાનું પણ કામ કરતો હતો. આજે સવારે તે ગામની સીમમાં બકરાં લઈને પાણીની બોટલ સાથે ચરાવવા માટે ગયો હતો. પાણીની બોટલ ખાલી થઈ જતાં તે ૧૨ વાગ્યાની આસપાસ નજીક આવેલ વિશ્વામિત્રી નદીના કોતરમાં પાણીની બોટલ ભરવા નદીકિનારે ગયો હતો, જ્યાં શિકારની શોધમાં નદીકિનારે જ બેઠેલા મગરે તરાપ મારી હુમલો કર્યો હતો. જાે કે, મગરના મોંમાં મહેશનો કમરનો ભાગ પકડમાં ન આવતાં તેને કમરના ઉપરના ભાગે ફેફસાં પાસે મગરના દાંતથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મગરના હુમલાને પગલે મહેશ રાઠોડિયાએ બૂમાબૂમ કરતાં નદીકિનારે અન્ય બે લોકો દોડી આવ્યા હતા અને લાકડાના ફટકા મારતાં મગર નદીના પાણીમાં સરકી ગયો હતો. જ્યારે મગરના હુમલામાં ઈજાગ્રસ્ત મહેશ રાઠોડિયાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.