પેરિસ-

માધ્યમોને પોતાની આસપાસની ઘટનાઓ બાબતે મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે, પણ આવી અભિવ્યક્તિને અને એ બાબતના સ્વાતંત્ર્યને ક્યારેક કેટલાંક સમજી નથી શકતા અને તેને લીધે વિવાદ થાય છે. ફ્રાન્સના વ્યંગ મેગેઝીન ચાર્લી હેબ્દોએ પોતાના કાર્ટુન દ્વારા હવે બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજા પર નિશાન સાંધ્યું છે. પોતાના તાજા અંકમાં આ વ્યંગ મેગેઝીને અમેરિકાના જ્યોર્જ ફ્લોઇડ કેસની જેમ પ્રિન્સ હેરીની પત્ની પત્ની મેગન મર્કેલને બ્રિટિશ મહારાણીના ઘૂંટણની નીચે દબાવેલી દેખાડી છે. આ કાર્ટુન વાયરલ થતાં જ બ્રિટનમાં હોબાળો મચી ગયો છે. કેટલાંય લોકોએ ચાર્લી હેબ્દોના કાર્ટુનને લઇ મોટી આપત્તિ વ્યક્ત કરી છે. આપને જણાવી દઇએ કે મેગને થોડાંક દિવસ પહેલાં જ અમેરિકન મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં બ્રિટિશ શાહી પરિવાર પર કેટલાંય આરોપ લગાવ્યા હતા. તેમણે એટલા સુદ્ધાં કહી દીધું હતું કે તેમના દીકરીને એટલા માટે શાહી ગાદી આપવામાં ના આવી કારણ કે તેનો રંગ કાળો હતો.

ચાર્લી હેબ્દોએ આ સપ્તાહે પ્રકાશિત પોતાના મેગેઝીનના કવર પર આ કેરિકેચરને પ્રકાશિત કર્યું છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે મેગને બકિંગમને કેમ છોડ્યુંપઆ કેરિકેચરના નીચેના ભાગમાં તેનો જવાબ પણ લખ્યો છે. કારણ કે હું હવે શ્વાસ લઇ શકતી નથી. આ કાર્ટુનની બ્રિટનમાં ખૂબ જ નિંદા થઇ રહી છે. લોકોનું કહેવું છે કે ચાર્લી હેબ્દો એ પૈસા કમાવા માટે જ્યોર્જ ફ્લોઇડના મોતનો ઉપયોગ કર્યો છે.

વાત એમ છે કે ઘૂંટણથી ગળું દબાવાની આ ઘટના ગયા વર્ષે અમેરિકાના મિનિયાપોલિસમાં બની હતી. જ્યાં એક પોલીસ અધિકારીએ અશ્વેત જ્યોર્જ ફલોઇડના ગળને પોતાના ઘૂંટણથી દબાવીને હત્યા કરી દીધી હતી. તેના મોત બાદ આખા અમેરિકામાં બ્લેક લાઇવ્સ મેટર્સનો અવાજ ઉઠ્યો હતો. અમેરિકાના કેટલાંય શહેરોમાં તોફાનો પણ થયા હતા, જેને કાબૂમાં લેવા માટે નેશનલ ગાર્ડસ સુદ્ધાંને તૈનાત કરવા પડ્યા હતા.

બ્રિટનમાં એન્ટી-રેસિઝમ થિંક ટેન્ક ધ રનમાઇડ ટ્રસ્ટના સીઇઓ ડૉ.હલીમા બેગમે તેને દરેક સ્તર પર ખોટા ગણાવતા ટ્‌વીટ કરી છે. તેમણે કહ્યું કે ચાર્લી હેબ્દો દરેક સ્તર પર ખોટા છે. શું રાણી જ્યોર્જ ફ્લોઇડના હત્યારા તરીકે મેગનના ગળાને દબાવી રહ્યા છે? મેગન કહી રહી છે કે તેને શ્વાસ લઇ શકતી નથી? આ સ્વતંત્રતાની સીમાઓનું ઉલ્લંઘન છે.