વડોદરા, તા.૧૦

શહેરમાં ગોત્રી રોડ અમરદીપ કોમ્પ્લેક્સના વીજ મીટરોમાં આગ ફાટી નીકળતાં કોમ્પ્લેક્સના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને તમામ લોકો તેમના મકાનમાંથી નીચે આવી ગયા હતા. મીટરોમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગના આ બનાવમાં ૧૦ વીજમીટરો બળીને ખાખ થઇ ગયા હતા. ગોત્રી રોડ ઉપર અમરદીપ કોમ્પ્લેક્સના મીટરોમાં એકાએક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઇ હતી. મીટરોમાં આગ લાગતાંની સાથે જ કોમ્પ્લેક્સના રહીશો તેમજ બાજુમાં આવેલા અન્ય કોમ્પ્લેક્સના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કોમ્પ્લેક્સના રહીશો પોતાના ઘર છોડી નીચે દોડી આવ્યા હતા. દરમિયાન રહીશોએ મીટરોમાં આગ લાગી હોવાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરતાં તુરંત જ લાશ્કરો દોડી આવ્યા હતા.

ફાયર બ્રિગેડના લાશ્કરો આવી પહોંચતાં લાશ્કરોએ ફોર્મ અને પાણીનો ઉપયોગ કરી આગ કાબૂમાં લીધી હતી. આ બનાવની જાણ વીજ કંપનીને થતાં ટીમ દોડી આવી હતી. આ કોમ્પ્લેકસ સહિત આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો. આગમાં ૧૦ જેટલા મીટરો બળીને ખાખ થઇ જતાં કોમ્પ્લેકસનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. મીટરોમાં લાગેલી આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.