વડોદરા, તા.૨૬

વડોદરા શહેરના નિઝામપુરા મારુતિનગર કોમ્પલેક્સ પાસે રોડ પર ઊભેલી લક્ઝરી બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં નાસભાગ મચી ગઇ હતી. જાે કે, બસમાં કોઇ મુસાફર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી લક્ઝરી બસમાં લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

વડોદરાના નિઝામપુરા મારુતિનગર કોમ્પલેક્સ પાસે પાર્થ ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. આ ટ્રાવેલર્સની એક લક્ઝરી બસ સર્વિસ કરાવીને ઓફિસ પાસે ઊભી હતી. દરમિયાન અચાનક જ લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. જેને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. એકાએક ખાનગી લક્ઝરી બસમાં લાગેલી ભીષણ આગના પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયાં હતાં. આ બનાવની જાણ થતાં ટીપી ૧૩ અને વડીવાડી ફાયર સ્ટેશનથી લાશ્કરો ફાયર ફાઈટરો સાથે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદ્‌ભાગ્યે બસમાં કોઇ મુસાફરો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટનાને પગલે નિઝામપુરા રોડ પર એક તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. બસમાં આ આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.