ભરૂચ, તા.૧૧

દહેજ ખાતે એ.પી.આઈ. અને ઇન્ટરમિડિયેટ્‌સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં રવીવારે રાત્રે ૨ વાગ્યાની આસપાસ અચાનક બ્લાસ્ટ સાથે ભીષણ આગ કાટી નીકળી હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે, પ્લાન્ટમાં આસપાસ કામ કરતા કામદારો દૂર સુધી ફંગોળાઈ ગયા હતા જેમાં છ કામદારો જીવતા ભુજાઈ જતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.બનાવના પગલે ભારે દોડઘામ મચી જવા પામી હતી.ફાયર બ્રીગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગના કારણે આખો પ્લાન્ટ બળી જવા પામ્યો હતો. અન્ય કેટલાકને ઈજા થતા સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે અન્ય કામદારો ભયભીત બની ગયા હતા.જવાબદાર તંત્ર દ્વારા આગના બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર એ.પી.આઈ. અને ઇન્ટરમિડિયેટ્‌સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીના પ્રોડકશન પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ટેક્નિકલ ક્ષતિ સર્જાતા રીએક્ટરમાં બ્લાસ્ટ થતા ભયંકર આગ લાગી હતી. અડધી રાત્રીએ બનેલ આગની ઘટનાને પગલે ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. ભયંકર બ્લાસ્ટ અને આગના કારણે કંપનીનો સ્ક્રેપમાં તબદીલ થઈ હતી. અડધી રાત્રીએ લાગેલ આગ બે કિલોમીટર દૂરથી જાેઈ શકાતી હતી. જાેકે ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં છ કામદારો આગની ચપેટમાં આવી જતા જીવતા બળીને ભડથું થઈ ગયા હતા.બનાવના પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી અન્ય કેટલાક કામદારોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.દેશના વ્યસ્ત રૂટ અને સૌથી વધુ અમદાવાદ-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં આવતા ભરૂચ જિલ્લામાં ઔધોગિક નગરીઓ ધમધમી રહી છે, જેના કારણે હજારો લાખો લોકો ભરૂચ જિલ્લામાં રોજીરોટી રળવા દોટ મૂકે છે. પણ કરોડો રૂપિયાના ટર્નઓવર કરતી કંપનીઓ નાના કર્મીઓની સેફટી માટે બેજવાબદાર ભર્યું વલણ અપનાવતી હોય તેમ જીવલેણ અકસ્માતની ઘટનાઓ બનતી આવી છે.

જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી પગલાં લેવા કાંેગ્રેસની માગ

ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપની પ્રાઇવેટ લીમીટેડમાં ગત મોડી રાતે થયેલ બ્લાસ્ટ અને આગના કારણે ૬ કામદારોનું મૃત્યુ થતાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કંપનીના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી પગલાં લેવા ભરૂચ ડી.એસ.પીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલસિંહ રણાએ આપેલ લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, દહેજ ફેસ-૩માં આવેલ એ.પી.આઈ. અને ઇન્ટરમિડિયેટ્‌સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગેલ હોય, આ આગના ઘટનામાં સ્થળ પર જ ગંભીર રીતે દાઝી જતાં ૬ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. વળી આ કંપનીમાં સેફટી વિભાગની પણ પૂરતા પ્રમાણમા જાેગવાઈ ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે કામદારોના પરિવારો પર ઓચીંતુ સંકટ આવી ગયું છે. આથી તાત્કાલિક ધોરણે કંપનીના જવાબદારો સેફટી મેનેજર, ફેકટરી મેનેજર, પ્રેસિડન્ટ, જનરલ મેનેજર, એચ.આર. પ્લાન્ટ મેનેજર તેમજ પ્લાન્ટ ઇન્ચાર્જ સમક્ષ વિવિધ ઇ.પી.કો કલમો મુજબની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

તમામ ઉદ્યોગોમાં સેફટીના સાધનોની સઘન તપાસ જરૂરી

ભરૂચ જિલ્લામાં આવેલ તમામ ઉદ્યોગ નગરીઓમાં સેફટી સાધનોની સઘન તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપી સાધનોની આપૂર્તિ કરી કંપનીઓમાં થતા અકસ્માતો અટકવવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય મજદૂર પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા ફાયર એન્ડ સેફટી વિભાગ તેમજ રાજ્ય સરકારમાં લેખિત અરજીઓ કરવામાં આવી છે. પણ આંખ આડા કાન કરવા ટેવાયેલી કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બનેલ સરકારી તંત્ર ફરજમાં ઉણા ઉતરતાં આવા અકસ્માતોને રોકી શકાય નહીં. જેથી સરકરી બાબુઓ અને ઉદ્યોગોપતિઓની નિષ્કાળજીના પગલે નિર્દોષ કામદારો મોતને ભેટતા રહેશે અને પરિવારો ઉજડતાં રહેશે.

૬ મૃતકોના પરિજનોને રૂ.૨ લાખની સહાયની જાહેરાત

ભરૂચ ઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ ઓર્ગેનિક કંપનીમાં થયેલ દુર્ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમજ તમામ ૬ મૃતકોના પરિજનોને રૂ.૨ લાખની સહાયની જાહેરાત સોસિયલ મીડિયાના ટ્‌વીટર માધ્યમથી કરી હતી. જ્યારે આ લખાય છે ત્યાં સુધી કંપની સંચાલકો સહાય બાબતે મૌન સેવી બેઠાં છે.અંકલેશ્વરની શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીના સોલ્વન્ટ રિકવરી પ્લાન્ટમાં ઓક્ટોબર-૨૦૨૧ માં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને નિર્દોષ કામદારનું મોત નીપજ્યું હતું. જેતે સમયે જીપીસીબીએ ત્વરિત ક્લોઝર નોટીસ ફટકારી લાખો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જાેકે એક જ કંપનીના માલિકની દહેજ ખાતેની ઓમ ઓર્ગેનિકમાં બ્લાસ્ટમાં વધુ નિર્દોષ કામદારોના મોત થયા છે. ત્યારે જવાબદારો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા મૃતકોના નામ

૧). પારસનાથ યાદવ જેમની ઉંમર આશરે ૫૫ વર્ષ જે ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં છેલ્લા બે વર્ષથી કંપનીના એમ્પ્લોઈ તરીકે પ્લાન્ટ ઓપરેટર પોસ્ટ પર નોકરી કરતાં મૂળ યુપીના અને હાલ દહેજ ખાતે રેહતા હતા.

૨). રામુભાઇ વસાવા જેમની ઉંમર આશરે ૪૫ વર્ષ જે ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં છેલ્લા એક વર્ષથી કંપનીના કોન્ટ્રાક્ટ હેલ્પર તરીકે નોકરી કરતા હતા. જે ઘટનાના બે દિવસ અગાઉ જ પોતાના ગામ સાગબારાથી દહેજ ખાતે કંપનીમાં નોકરી અર્થે પરત આવ્યા હતા.

૩). જયદીપ બામારોલિયા ઉ.વ. ૩૫ વર્ષ જે લેબ ટેકનિશિયનની પોસ્ટ પર નોકરી કરતા હતા. તેઓ મૂળ જૂનાગઢના અને હાલ વાગરા ખાતે રહેતા હતા.

૪). તીરથ ગદારી ઉ.વ.૨૨, મૂળ મધ્યપ્રદેશના કટનીનો રહેવાસી હતો. જે બે મહિના પહેલા જ કોન્ટ્રાક્ટ હેઠળ હેલ્પર તરીકે જાેડાયો હતો. બ્લાસ્ટ દરમિયાન આ યુવાન આગમાં બળીને ભડથું થઈ ગયો છે.

૫). પુનિત મહાતો ઉ.વ. ૫૭, મૂળ ઝારખંડના પલામુના રહેવાસી અને કંપનીમાં કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે ૨ મહિનાથી નોકરી કરતા હતા. અને આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

૬). રતન કુશવાહા ઉ.વ. ૩૨ મૂળ યુપીના પ્રયાગરાજનો રહેવાસી હતો. છેલ્લા ૮ મહિનાથી કંપનીમાં ઓપરેટર તરીકે નોકરીએ લાગ્યો હતો.

કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ

આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જાેવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ મૃતદેહોનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પી.એમ. કરાયું હતું.