લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026 |
1782
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરુ થઈ ગયા બાદ ભાજપે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયાનાં ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આવ્યા હતા. જેમાં પહેલા દિવસે વોર્ડ નંબર ૧ થી ૧૨નાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરુ થઈ છે. પહેલા જ દિવસે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો ભાજપ કાર્યાલય ખાતે જાેવા મળ્યા હતા. જાે કે, ભાજપના ગઢ હોય તેવા વિસ્તારોમાં દાવોદારોની સંખ્યા ૧૫૦ને પાર પહોંચી ગઈ હતી. જ્યારે સૌરાષ્ટ્રની વસ્તી ધરાવતા વિસ્તારમાં દાવેદારી ઓછી નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરત સહિત રાજ્યની મહાનગર પાલિકાઓની ચુંટણીનાં ધમધમાટ વચ્ચે આજથી ભાજપ દ્વારા અલગ - અલગ જુથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવાની સાથે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં આજે સવારથી વોર્ડ નં. ૧થી ૧૨ માટે દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. સેંકડોની સંખ્યામાં ભાજપ કાર્યકતાઓની હાજરીને પગલે એક તબક્કે ઉધના ખાતે ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. નિરીક્ષકો દ્વારા સવારથી દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપનો વર્ષોથી ગઢ હોય તેવા વોર્ડમાં દાવેદારી માટે પડાપડી થઇ હતી. કેટલાક વોર્ડમાં ૧૦૦થી ૧૫૦ જેટલા દાવોદારો નોંધાયા હતા. જેના કારણે નિરીક્ષકો પણ મુંજવણમાં મુકાયા હતા. આજે શરુ થયેલી આ પ્રક્રિયા દરમિયાન હાલમાં જ ટર્મ પૂરી થઈ છે તેવા કોર્પોરેટરો, સિનિયર કાર્યકરો અને યુવા કાર્યકરોની સંખ્યા પણ નોંધપાત્ર જાેવા મળી હતી. ભાજપ માટે સૌથી સલામત ગણાય છે તેવા રાંદેર- અઠવા ઝોન જેવા વિસ્તારમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં દાવેદારો ઓછા હોવાનું સામે આવ્યું છે. મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડતા કામગીરી પણ અટવાઈ ગઈ હતી જેના કારણે ત્રણથી ચાર કલાક કામગીરી મોડી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કામગીરી પૂર્ણ થતા અંદાજિત રાતના ૧ વાગે તેવી શક્યતા છે. પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલ સાથે બે મુખ્ય નેતાઓ ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયા ઉભરીને આવ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં ધાર્મિક માલવીયાએ ઓલપાડમાં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમની હાર થઈ હતી. જાેકે વિધાનસભાની ચૂંટણી લડનાર ધાર્મિક માલવીયા એ હવે ભાજપમાં વોર્ડ નંબર ૨માં ટિકિટ માંગી છે અને ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ પણ વોર્ડ નંબર ત્રણમાં ઉમેદવારી નોંધાવી ટિકિટની માંગણી કરી છે.