નિયમ ભંગ કરનારા તંત્રના વાહનોને ખૂલ્લો પરવાનો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   વડોદરા   |   2772

શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પોલીસ સામાન્ય નાગરિકો પાસેથી નિયમોના નામે કડક હાથે દંડ વસૂલવામાં જરાય પાછી પાની કરતી નથી. જાે સામાન્ય વાહનચાલકની ગાડી પર નંબર પ્લેટ ન હોય કે થોડી ખામી હોય, તો પોલીસ તુરંત જ દંડનીય કાર્યવાહીનો કોરડો વીંઝે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ જ કાયદો અને નિયમો શહેરના રાજમાર્ગો પર બેફામ દોડતા ડોર-ટુ-ડોર કચરાના વાહનોને કેમ લાગુ પડતા નથી? તેવા વેધક સવાલો નાગરિકોમાં ઊઠી રહ્યા છે.

શહેરમાં ધમધમતી ડોર-ટુ-ડોર કલેક્શનની અનેક ગાડીઓ એવી છે કે જેમાં કાં તો નંબર પ્લેટ ગાયબ હોય છે અથવા તો કચરા અને ગંદકીના લીધે અસ્પષ્ટ હોય છે, જે દેખાતી જ નથી. આ વાહનો રોડ પર ચાલવા માટે ફિટ (લાયક) છે કે નહીં, તેની ફિટનેસ સર્ટિફિકેટની કોઈ વિગત પણ જાેવા મળતી નથી. આમ છતાં, આ ખખડધજ અને જાેખમી વાહનો કોઈ પણ રોકટોક વગર શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને ફક્ત તમાશો જાેઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આ વાહનોમાં માત્ર કાયદાકીય કાગળોની જ ખામી છે એવું નથી, પરંતુ રોડ સેફ્ટીના પણ ધજાગરા ઉડી રહ્યા છે. ડોર-ટુ-ડોરના વાહનોની ઉપર લોકો અને શ્રમિકો જાેખમી રીતે બેઠેલા જાેવા મળે છે. એટલું જ નહીં, માસૂમ બાળકો પણ ડ્રાઇવરના ખોળામાં કે ડ્રાઇવિંગ સીટની તદ્દન બાજુમાં જાેખમી સ્થિતિમાં બેઠા હોય છે. 

આવી ગંભીર બેદરકારી ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે, છતાં પોલીસ તંત્ર આ બધું નજરઅંદાજ કરી રહ્યું છે. સામાન્ય જનતા અને ડોર-ટુ-ડોરના વાહન ચાલકો વચ્ચે પોલીસ દ્વારા રાખવામાં આવતો આ બેવડો માપદંડ હવે લોકોમાં ભારે આક્રોશ જન્માવી રહ્યો છે. નાગરિકો પૂછી રહ્યા છે કે કાયદો શું માત્ર સામાન્ય માણસના ખિસ્સા ખંખેરવા માટે જ છે? જાેખમી રીતે દોડતા આ ડોર-ટુ-ડોરના વાહનો અને તેના ચાલકો સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે અને કડક દંડનીય કાર્યવાહી હાથ ધરશે, તેની જનતા રાહ જાેઈ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution