અમદાવાદ, શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ છે. સાયબર ક્રાઇમે ત્રણ આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી નિવૃત ટીડીઓનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. સાથે લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમનો કસ્ટડીમાં રહેલા આરોપી પ્રકાશ પરમાર,પ્રિયંક ઠક્કર અને કેવળ ગઢવી નામના ત્રણ આરોપીઓ અલગ અલગ મોડસ ઓપરેન્ડી થકી લોકોને રોકાણ કરાવી રૂપિયા પડાવી લેતા હતા. સાથે જ આ ગેંગમાં સામેલ ગોવિંદની કચ્છ પોલીસે ૪ દિવસ પહેલા ધરપકડ કરી હતી. આ ગેંગ લોકોને શેર માર્કેટમાં વધુ નફા માટે ટિપ્સ આપીશું તેમ કહી વૉટ્સએપ ગ્રૂપમાં જાેડીને પહેલા થોડો નફો આપીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતાં હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગેગના મુખ્ય આરોપીઓ કમ્બોડિયા,વિયતણામ સહિત અન્ય દેશોમાં છે અને ઇન્ડિયામાં એજન્ટ રાખીને કૌભાંડ ચલાવતા હતા. આ રીતે તેમને અમદાવાદના એક વ્યક્તિ પાસેથી ૫૯ લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રકાશ પરમારનું ખાતું ખોલાવી પ્રિયંક ગેમિંગ અને છેતરપીંડીના રૂપિયા જમા કરાવતો હતો. જે ૨૮ લાખ રૂપિયા પ્રકાશે ગોવિંદ નામના આરોપીને આપ્યા હતા. પ્રિયંક અન્ય આરોપીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતો હતો અને કેવળ ગઢવીની ઓફિસમાં બેસી ૪૪ કોડના નંબરની મદદથી રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે.આરોપી કેવલની ઓફિસે તપાસ કરતાં ૩૭ લાખ રોકડા,ચેક બુક,અલગ અલગ ડેબિટ અને અન્ય કાર્ડ,પાસબુક,અનેક સીમકાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી ગોવિંદ અને અન્ય ફરાર આરોપીઓ રૂપિયાની છેતરપિંડી કરીને આ રૂપિયાને અમેરિકન ડોલરમાં બદલીને વિદેશમાં બેઠેલી ગેંગને મોકલી આપતા હતા અને જે પૈકી આ આરોપીઓને ૧૦ થી ૧૫ ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પહેલા ઝડપાયેલા ૨ આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે અન્ય એક આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી મળી આવેલા બેન્ક એકાઉન્ટની તપાસમાં ૫૫૦ થી વધુ ફરિયાદો દેશભરમાંથી મળી છે જેની સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી સાથે જ ૫૫૦ થી વધુ એફઆઇઆરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.