લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026 |
2178
એક વર્ષ અગાઉ મહારાષ્ટ્રનાં ધુલિયાથી પ્રેમી સાથે ભાગીને મૈત્રી કરાર કરી સુરતમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. માતા બોલાવતી ન હતી અને સાસુ સપોર્ટ કરતી ન હતી. જયારે પ્રેમી બીજા અફેરની શંકા રાખી ત્રાસ ગુજારતો હોય હતાશ થઇને યુવતીએ આત્યંતિક પગલું ભરી લીધું હતું. વરાછા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના વતની શિવાજી સંતોષભાઇ માળીની ફોઇ અરૂણા વાઘની દીકરી વૈશાલીને ડોંગર રામકૃષ્ણ પાટીલ સાથે પ્રેમ સંબંધ હતો. એક વર્ષ પહેલા વૈશાલી આ ડોંગર પાટીલ સાથે ભાગી ગઇ હતી. ત્યારબાદ તેઓ મૈત્રી કરાર કરીને સુરતમાં વરાછા વિસ્તારના કાળીદાસ નગરમાં રહેવા માંડ્યા હતાં.
ગત ૨૨મી એપ્રિલે શિવાજી તેની ફોઇ અરૂણા વાધના ઘરે હતો ત્યારે તેમને વૈશાલીએ સુરતમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતાં. આ વાત જાણતાં જ તેઓ સુરત આવી ગયા હતાં. તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વૈશાલી મૈત્રી કરાર કરીને ડોંગર રામકૃષ્ણ પાટીલ સાથે રહેતી હતી. તે ડોંગરને વેડુ નામથી બોલાવતી હતી. વૈશાલીનાં પિતા બાર વર્ષ પહેલા અવસાન પામ્યા હોય સમાજ અને ગામનાં રીતિ રીવાજ મુજબ વીર બેસાડવાની વિધિ ૨૨ એપ્રિલ ૨૦૨૬નાં રોજ રાખવામાં આવી હતી.
આ વિધિમાં વૈશાલીને બોલાવાઇ ન હતી. ત્યારબાદ અખાત્રીજનો તહેવાર આવ્યો હતો. વૈશાલીએ અખાત્રીજ કરવા પિયર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પતિ ડોંગર ઉર્ફે વેડુએ તને તારી માતા બોલાવતી નથી તો પછી શા માટે ત્યાં જવા માંગે છે એમ કહી ના પાડી દીધી હતી. ઉપરાંત વૈશાલીનું અન્ય કોઇ સાથે અફેર હોવાની શંકા રાખીનવે ડોંગર ઉર્ફે વેડુ અવાર નવાર ઝઘડા કરતો હતો. વૈશાલીએ પરિવારની વિરૂધ્ધ ડોંગર સાથે ભાગી મૈત્રી કરાર કરી રહેતી હોવાથી તે ઘરે જઇ શકતી ન હતી. વૈશાલીની સાસુ પણ તેની સાથે સારા સંબંધ રાખતી ન હતી. કોઇની સાથે વાતચીત કરી વેદના જણાવી શકે એવી સ્થિતિમાં નહીં રહેલી વૈશાલી હતાશ થઇ ભાંગી પડેલી વૈશાલીએ આપઘાત જેવું આત્યંતિક પગલુ ભરવા મજબુર બની હતી. શિવાજી માળીએ આ મામલે બનેવી ડોંગર ઉર્ફે વેડુ પાટીલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.