નવી દિલ્હી ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષની જાહેરાત થવાની છે તે પુર્વે જાેરદાર ખેંચતાણ છે. પક્ષના એક જૂથ દ્વારા તો બળવો કરવા સુધીની તૈયારી રાખવામાં આવી છે.નેતાગીરી સમયસર નવા નામો જાહેર કરી શકે છે કે કેમ તે વિશે અટકળો વ્યક્ત થવા લાગી છે.ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા હતા. મહિનાઓ સુધી પદ તેમની પાસે જ કાયદેસર રખાયા બાદ નવા અધિકારીઓની પસંદગી માટે ગત સપ્તાહથી કવાયત શરુ કરાઇ હતી. હાઈકમાંડે તમામ નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. સંયુક્ત અને વન ટુ વન બેઠકો કરીને સર્વસંમત પસંદગીનો પ્રયાસ કર્યો હતો.પરંતુ બેઠકમાં જ બે જૂથની ખેંચતાણ માલુમ પડી ગઈ હતી. હવે તે આગળ વધી હોય તેમ એક જૂથ કોંગ્રેસના જી-૨૩ ગણાતા અસંતુષ્ટ ગ્રુપના સંપર્કમાં પહોંચ્યું છે અને જરૂર પડયે અધ્યક્ષપદ મામલે બળવો કરવાની તૈયારી રાખી છે. એમ કહેવાય છે કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે યુવા ચહેરાની પસંદગી કરવા ઈચ્છુક છે તેને કારણે સિનિયર અનુભવી નેતાઓ સમસમી ગયા છે એટલું જ નહીં.અમુક નેતાઓ રાષ્ટ્રીય સ્તરે અસંતુષ્ટ ગણાતા જી-૨૩ નેતાઓ સાથે સંપર્ક કરવા લાગ્યા છે. ગુજરાતના નવા અધ્યક્ષપદ માટે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ તથા હાર્દિક પટેલના નામો છે. રાહુલ ગાંધીની પસંદ યુવા નેતા હાર્દિક પટેલ છે. વિપક્ષી નેતા તરીકે પણ યુવા નેતા જીજ્ઞેશ મેવાણીના નામની ચર્ચા છે. બન્ને મુખ્ય પદ યુવા નેતાઓના હાથમાં સરકી જવાની આશંકાથી સીનીયર નેતાઓને વાંધો છે. તેઓનું કથન એવું છેકે સારા-નરસા દરેક સમયમાં વફાદારીપૂર્વક પાર્ટીમાં રહેવા છતાં મુખ્યપદ નવા આવેલા યુવાનોના હાથમાં સોંપી દેવામાં આવે તો પાર્ટીમાં રહેવાનો શું ફાયદો? આ હકીકતના આધારે રાહુલ ગાંધીની બેઠકમાં સામેલ થયા બાદ અમુક નેતાઓએ જી-૨૩ ગ્રુપના નેતાઓનો સંપર્ક કર્યો હતો.