વડોદરા,તા. ૧૧ 

એમ.એસ.યુનિવર્સીટીના ઓનલાઇન એક્ઝામ માટેના પોર્ટલ પર ગત ૧લી ઓગષ્ટના રોજ સાયબર એટેક થતા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારબાદ ૧૩ ઓગષ્ટથી પહેલા તબક્કામાં વિવિધ ૯ ફેકલ્ટીના મોક ટેસ્ટ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, યુનિવર્સીટીની સૌથી મોટી એવી ચાર ફેકલ્ટીઓના મોક ટેસ્ટ કે પછી ઓનલાઇન એક્ઝામ અંગેની જાહેરાત ન કરાતા એન.એસ.યુ.આઈ દ્વારા આજે બપોરે ચાર કલાક સુધી યુનિવર્સિટી હેડ ઓફિસ ગેટ ની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ બહાર બેસી જઈને સૂત્રોચ્ચાર સાથે પ્રબળ વિરોધ કરતા સાંજના સમયે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઇને ર્નિણય લેવામાં આવ્યો હતો. જેમાં બાકીના ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓનો મોક ટેસ્ટ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ એક અઠવાડિયામાં પરીક્ષાનું સમયપત્રક બહાર પાડવાની બાંહેધરી રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવી હતી.

સેન્ટર ઓફ એક્સેલન્સની પાત્રતા અને દરખાસ્ત બાબતે રજૂઆત

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૧૩ માર્ચના રોજ જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં સેન્ટર ઓફ એક્સેલન્સ માટે અરજી આમન્ત્રિત કરવામાં આવી હતી. અરજી માટે નક્કી કરવામાં આવેલી શરતોમાં ફક્ત પ્રાઇવેટ સંસ્થાઓને પ્રત્યક્ષ રીતે લાભ પહોંચાડવાનો ઉદ્દેશ જાહેર થાય છે. એક બાજુ પ્રાઇવેટ સંસ્થાઓ આ સેન્ટર ઓફ એક્સેલન્સના માધ્યમથી ફી અને પ્રવેશ પ્રક્રિયામાં ખુલ્લી કમિશનખોરી નો ધંધો ચલાવશે તો બીજી બાજુ રાજ્યની પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓને આ સેન્ટર ઓફ એક્સેલન્સની અરજીથી દૂર રાખવાથી એમની છબી બગડશે તેમ એબીવીપીનું માનવું છે. જેને લગતા વિવિધ મુદ્દાઓ સાથે આજે એબીવીપી દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે શિક્ષણવિભાગ સાથે ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો.