લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
વડોદરા |
1782
શહેરના ફતેગંજ સર્કલ પાસે એનએનસી ઓફિસની સામે રોડ પર ઉભેલી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બનીને લગ્ન માટે દબાણ કરીને યુવતીને જાહેરમાર્ગ પર ચાકુના ઘા ઝીંકી ધમકી આપનાર માથાભારે વિધર્મી યુવકને અત્રેની અદાલતે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી ૧૦ હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
મુળ કલક્તાની વતની અને નવ વર્ષ અગાઉ શહેરના ગોત્રી રોડ પર રહેતી ૩૩ વર્ષીય નેહા નામની યુવતીનું જીગ્નેશ નામના યુવક સાથે લગ્ન થયું હતું અને તેઓને એક પુત્ર છે. ગત ૫-૮-૨૦૧૭ના રોજ રાત્રે સવા આઠ વાગ્યાના અરસામાં નેહા ફતેગંજ સર્કલ પાસે એનસીસી ગેટની સામેના રોડ પર બ્રિજ નજીકના રોડ પર ઉભી હતી તે સમયે ગની ઉર્ફ થમ્સઅપ ઉસ્માન શેખ ફતેગંજ તરફથી અચાનક તેની તરફ ધસી ગયો હતો. ગનીએ તું મારી સાથે લગ્ન નહી કરે તો હું તને જાનથી મારી નાખીશ તેમ કહી અપશબ્દો કહ્યા હતા અને ત્યારબાદ સાથે લાવેલા ચાકુથી તેણે નેહા પર હુમલો કર્યો હતો.
તેણે નેહાના બંને પગમાં ચાકુના ઘા ઝીંક્યા હતા જેને પગલે તેણે બચાવ માટે બુમરાણ મચાવી હતી. આ દરમિયાન ટોળું ભેગુ થતાં ગની ત્યાંથી ફરાર થયો હતો અને નેહાને રિક્ષામાં બેસાડીને સયાજીગંજ પોલીસ મથકમાં લઈ જવાઈ હતી જયાંથી પોલીસે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. નેહાની ફરિયાદના પગલે પોલીસે ગની શેખ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસ અત્રેના એડી. જ્યુડી.મેજી. એસ.આર.આહુજાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એ કે પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ગની શેખને હુમલાના ગુનામાં દોષિત ઠેરવી ૩ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી તેમજ ૧૦ હજારનો દંડ ભરવાનો અને દંડ ના ભરે તો વધુ છ માસની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો.