મેઘાલય-

મેઘાલયમાં એક ભયાનક અકસ્માત થયો છે. તુરાથી શિલોંગ જતી એક બસ રિંગડી નદીમાં પડી. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત મોડી રાત્રે 12 વાગ્યે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર છ લોકોના મોત થયા છે. ઘાયલોને વિલિયમનગર અને તુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

મીડિયા અહેવાલો અનુસાર, ચાર મૃતદેહો નદીમાં બહાર કાવામાં આવ્યા છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર ફસાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર 16 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ છે.

બસમાં 21 મુસાફરો હતા

પૂર્વ ગારો હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, મેઘાલય પરિવહન નિગમની બસમાં 21 મુસાફરો હતા. આ દુર્ઘટના રાજધાનીથી લગભગ 185 કિમીના અંતરે બની હતી. માહિતી મળ્યા બાદ બચાવ અને કટોકટી સેવા ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે

પૂર્વ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ટેમ્બેએ કહ્યું છે કે હજુ પણ બે મુસાફરો ગુમ છે, તેમની શોધ ચાલુ છે. આશા છે કે અમે તેમને જલ્દી મળીશું. બસમાં મુસાફરોમાંથી 9 તુરાના હતા જ્યારે 12 મુસાફરો વિલિયમનગરના હતા. વધુ વિગતો માટે મુસાફરોના પરિવારોને પૂર્વ ગારો હિલ્સ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.