નડિયાદ-

વર્ષ 2018નો આ મર્ડર મિસ્ટરીનો કેસ નડિયાદ સેશન્સ કોર્ટમા ચાલ્યો હતો અને તેમાં જજ એલ સી પીરઝાદાએ આરોપી અબ્દુલ કાદરને આજીવન કેદની સજા ફટકારી છે. લાંબો સમય ચાલેલા આ કેસની વિગત જાણીને જરૂર લાગશે કે શંકાનો કીડો વ્યક્તિને ક્યાંથી ક્યાં લઈ જાય છે. 

આ કેસમાં વિગત એવી છે કે નડિયાદના ખોડિયાર ગરનાળા પાસે દુકાન ધરાવતા નવસાદને સતત પોતાના મિત્ર અબ્દુલકાદર મલેક પર એવી શંકા હતી કે તેના તેની પત્ની સાથે આડા સંબંધો હતા. તેના મનમાં આ શંકાનો કીડો ઘર કરી ગયો હતો અને તેણે તેનું નિરાકરણ કરવા માટે અબ્દુલકાદરને રાત્રે પોતાની દુકાન પર બોલાવ્યો હતો, જેથી તે તેને ઠપકો આપી શકે. બંને વચ્ચે ત્યારબાદ ભારે બોલાચાલી અને ઝઘડો થયા બાદ આખરે ઉશ્કેરાટમાં અબ્દુલકાદરે એક તિક્ષ્ણ હથિયાર લઈને નવસાદ પર હુમલો કરતાં તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર જઈને અબ્દુલકાદર મલેકની ધરપકડ કરી હતી. 

આ કેસમાં વકીલ ગોપાલ વી ઠાકુરે 15 સાહેદો અને 33 જેટલા દાસ્તાવેજી પૂરાવા રજૂ કરીને કેસ રજૂ કરતાં જજે આખરે અબ્દુલકાદરને સજા સુણાવી હતી. તેને આજીવન કેદ અને 10 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. કોર્ટે સંભળાવેલી આ સજા ગુનેગારો માટે દાખલારૂપ બની રહેશે.