/
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની આચાર્યો સાથે બેઠક યોજાઇ

દાહોદ, તા. ૨૯ 

દાહોદ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ સાથે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઇ મેડાએ સોશિયલ મિડિયાના માધ્યમ થકી બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચી રહે તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્યઓને કોરોના સંક્રમણ સામે પૂરી સાવચેતી સાથે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે વિદ્યાર્થીઓ ઘરેબેઠા પણ શિક્ષણ મેળવી શકે તે માટે જરૂરી માહિતી આપી હતી. બેઠકમાં આધાર ડાયસ ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, દરેક વિદ્યાર્થીને પાઠયપુસ્તકો મળી ગયા છે તે સુનિશ્ચિંત કરવું, વૃક્ષારોપણનો કાર્યક્રમ શાળામાં હાજર શિક્ષકોને યોજવા, વિધાર્થીઓ અને વાલીઓને સોશિયલ મિડિયાથી જાણ કરી ખેતરમાં કે ઘરના વાડામાં વૃક્ષારોપણ કરવા જણાવવું, સામાજિક જવાબદારી વિશે વિદ્યાર્થીઓને સમજાવવું, એકમ કસોટી યોજવા બાબતે, આપત્તિ વ્યવસ્થાપન માટે તમામ શાળાઓમાં વીજળી, પંખા, પાણી, વિગેરેની વ્યવસ્થા અદ્યતન રાખવી જેવી બાબતો વિશે વિસ્તુત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બેઠકમાં મેડાએ જણાવ્યું કે, વાલીઓને કોરોના સંક્રમણ બાબતેની અદ્યતન માહિતી આપવી અને વિદ્યાર્થીઓ પણ આ બાબતે સરકારી માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્ત અમલ કરવા જણાવવું અને સામાજિક અંતર, માસ્ક પહેરવા અને સેનિટાઇઝરના ઉપયોગ બાબતે સમજ આપવી. આ બેઠકમાં જિલ્લાના ૩૦૦ થી પણ વધુ આચાર્યઓ સોશિયલ મિડિયાના માધ્યમ થકી જોડાયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution