ભરૂચ : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધાણા ગામમાં મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જતાં ૨ સગી બહેનોનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

જંબુસર તાલુકાના નોંધાણા ગામે ગુરુવારની સવારે એક કાચા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઇ હતી. જેમાં ૧૩ વર્ષીય હિના પરમાર અને ૧૨ વર્ષીય વૈશાલી પરમાર નામની ૨ સગી બહેનો મકાનના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ઘટનાના પગલે ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. કાટમાળ નીચે દબાયેલી બન્ને બહેનોની બુમરાણથી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જાેકે કાટમાળને હટાવવામાં તેઓ અસમર્થ રહ્યા હતા.

બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી બન્ને બહેનોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, ત્યારે એક જ પરિવારની ૨ સગી બહેનોના મોતથી સમગ્ર નોંધાણા ગામ શોકની લાગણીમાં ગરકાવ થયું છે.

પાદરાના કોઠવાડામાં દીવાલ તૂટતાં એકનું મોત

પાદરાના કોઠવાડા ગામે દીવાલ સતત વરસાદના કારણે ધરાશાયી થતાં રસ્તા પરથી પસાર થતાં રાહદારીને ગંભીર ઈજાઓ થતાં કરજણની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જાે કે, થોડી ક્ષણો પહેલાં જાે દીવાલ ધરાશાયી થઈ હોત તો મોટી જાનહાનિ થવા પામી હોત.પાદરાના કોઠવાડા ગામે ઉદેસિંહ ફતેસિંહ મોરીનું રસ્તા પર મકાન આવેલ છે. પાદરા શહેર-તાલુકામાં ગત અઠવાડિયામાં સતત હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યાં હતાં. ત્યારે ગત મોડી સાંજના પાદરાના કોઠવાડા ગામે ઉદેસિંહ મોરીના મકાન પાસેના રસ્તા પરથી પસાર થતા મજીદભાઈ અસરફભાઈ મલેક (ઉં.વ.૩૬) પર દીવાલનો કાટમાળ પડતાં જેઓ દટાઈ ગયા જતાં તેઓએ બૂમાબૂમ કરતાં સ્થાનિક આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા અને દીવાલના કાટમાળ નીચેથી કાઢી કરજણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મકાનની દીવાલ ધરાશાયી થતાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. મોતના સમાચારથી પરિવાર તેમજ ગામમાં માતમ છવાઈ ગયો હતો.