મોરબી-

મોરબીમાં આજે રાત્રિના અંધકારમાં ખૂની ખેલ ખેલાયો છે. શહેરની નજીક મોરબી કંડલા બાયપાસ હાઇવે પર ફિલ્મી ઢબે ધડાધડ ગોળીઓ વરસાવી અને મામુ દાઢી નામના શખ્સની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઘટનાના પગલે મોરબી પોલીસના એસપી અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ દોડી ગયો છે. બનાવની વિગતો એવી છે કે મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે સાડા નવેક વાગ્યાના અરસામાં મામુદાઢી સહિતના ત્રણ ઈસમો ઉપર અજાણ્યા શખ્સે ધડાધડ ફાયરિંગ કર્યુ હતું. આ હીંચકારા હુમલામાં હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નિપજ્યાનું અને બે વ્યક્તિને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા હોવાનું બહાર આવ્યું છે. હનીફ કાસમાણી જે આ ઘટનામાં મૃત્યુ પામેલ છે તે મોરબીમાં મામુ દાઢીના નામથી જાણીતા હતા ત્યારે એમના પર આ ફાયરિંગ જૂના ઝઘડાની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના ફિલ્મી ઢબે ઘટી હોવાના અહેવાલ છે જેમાં એક જ શખ્સે ફાયરિંગ કરી અને મામુનું ઢીમ ઢાળી દીધું છે. આધારભૂત સુત્રોમાંથી મળતી વિગત અનુસાર બોલેરો કારમાં આવેલા શખ્સો દ્વારા અંજામ આપવામાં આવ્યો છે જેમાં એક ઇસમનું નામ ઇમરાન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ ફાયરિંગ બાર બોર સહિતના હથીયારોમાંથી ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ ફાયરિંગ માં સામેના પક્ષના ને પણ ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે ત્યારે આ હત્યા સુઆયોજિત કાવતરૂ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે હાલ પોલીસે ફરિયાદ લઈ એફએસએલ મદદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાની જાણી થતા મોરબીના એસપી સુબોધ ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ મોરબી એ ડીવીઝન પોલીસ ટિમ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જાેકે, મામુ દાઢી પર આ હુમલો કોણે કર્યો અને હત્યારાનો ટાર્ગેટ કોણ હતું એ તો હવે પોલીસની કાર્યવાહી બાદ જાે આરોપી ઝડપાય તો જ જાણી શકાશે.