રાજકોટ-

રાજકોટમાં હિંદુ-મુસ્લિમ એકતાનો એક સીમાચિહ્ન રૂપી કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવાન પુત્રને ગુમાવનાર હિંદુ પરિવારને સંતાન આપવા માટે મુસ્લિમ મહિલા સરોગેટ મધર બની છે માત્ર એટલું જ નહિ તેમણે હિંદુ સંસ્કૃતિ પણ શીખી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે આઈવીએફ સેન્ટર ધરાવતા નિષ્ણાત ડો. ભાવેશ વિઠ્ઠલાણીના જણાવ્યા અનુસાર રાજકોટમાં રહેતા અને તાજેતરમાં જ સૈન્યમાંથી નિવૃત્ત થયેલા ગજેન્દ્રસિંહ (નામ બદલેલ છે.)ના ૧૯ વર્ષના યુવાન પુત્રનું કેન્સરને કારણે નિધન થયું હતું. આધેડ ઉંમરે યુવાન પુત્ર ગુમાવ્યાનું દુઃખ હતું તેમજ પત્નીની ઉંમર અને આરોગ્યને જાેતા સંતાન પ્રાપ્તિ પણ શક્્ય ન હતી.

તેથી એક મુસ્લિમ મહિલાનો સંપર્ક કર્યો હતો તેમને દેશ પ્રત્યે લાગણીનો ભાવ હતો અને તેમાં પણ સૈનિકની હાલત જાેતા તેઓ સરોગેટ મધર બનવા તૈયાર હતા. આઈવીએફ પદ્ધતિ વડે ગર્ભાધાન થયા બાદ મુસ્લિમ મહિલાએ પરિવાર સાથે જ રહેવાનું નિમંત્રણ સ્વીકાર્યું હતું તેમજ તેઓએ ગર્ભાધાન બાદ સંપૂર્ણ શાકાહારી બન્યા હતા અને માંસાહાર પણ ત્યજી દીધું હતું. મુસ્લિમ મહિલા જણાવે છે કે ‘હું કોઇ પ્રોફેશનલ સરોગેટ મધર નથી. દેશની રક્ષા માટે સૈનિકો સરહદ પર તૈનાત રહે છે અને તેમનો પરિવાર પણ ઘણું બલિદાન આપે છે. આવા સૈનિક પરિવાર દુઃખમાંથી બહાર આવે અને ખુશી મળે તે માટે ર્નિણય લીધો હતો.

આ સમય દરમિયાન શાકાહારી ખોરાક લઈને હિંદુ સંસ્કૃતિ જાણી અને શીખી હતી તેમજ ગર્ભ સંસ્કારનું જ્ઞાન લીધું હતું. સ્વસ્થ બાળક માટે પરિવારની સાથે જ ઘણી માનતાઓ માની હતી તેમજ પ્રાર્થનાઓ કરી હતી. નિવૃત્ત સૈનિક ગજેન્દ્રસિંહ જણાવે છે કે ‘ડો. ભાવેશ વિઠ્ઠલાણીને દેશ પ્રત્યે અને સૈનિકો પ્રત્યે ખૂબ આદર અને સન્માન છે તેથી જ તેમણે અંગત રસ લઈને મદદ કરી હતી. સરોગેટ મધરને કારણે તેમના જીવનમાં ફરી ખુશી આવી છે અને તેનો આભાર કદી ચૂકશે નહીં. મારા જેવા અનેક પૂર્વ સૈનિકોની તેઓએ મદદ કરી રહ્યા છે જે ઉત્કૃષ્ટ બાબત છે.’