રાજકોટ-

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમો પૈકી રાજકોટમાં ગરીબ લાભાર્થીઓને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવા કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય ધારાસભ્ય તેમજ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નવનિયુક્ત કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કાયદા અને મહેસૂલ ખાતાનો પ્રધાન બન્યો છું. જેને લઈને આગામી દિવસોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે નવી યોજના બનાવમાં આવશે. જયારે લોકોને જલ્દી ન્યાય મળે, સસ્તો ન્યાય મળે અને સરળ મળે તે માટેની એક આખી યોજના આગામી દિવસોમાં બનાવમાં આવશે અને એ કાર્યને આગળ વધારવામાં આવશે. જ્યારે મહેસૂલ વિભાગમાં પણ આવી જ રીતે લોકોને કામમાં મુશ્કેલી ન પડે તે માટે IT વિભાગને સાથે રાખીને કામ કરવામાં આવશે. આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવી સરકારમાં પ્રધાન બનેલા વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવશે.