અંક્લેશ્વર, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ ખરોડ ચોકડી પાસે ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ ગુટખા પાન મસાલા નો જથ્થો ભરેલી કન્ટેનર ટ્રક ને ઝડપી પાડી હતી, અને ટ્રક ચાલક ની અટકાયત કરીને રૂપિયા ૧૬.૫૫ લાખ નો ગુટખા નો જથ્થો જપ્ત કર્યો હતો. અંકલેશ્વર માં પેટ્રોલિંગ દરમ્યાન ભરૂચ એલસીબી પોલીસ ને મળેલી ચોક્કસ બાતમી ને આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર ૪૮ ખરોડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી, તે અરસામાં એક શંકાસ્પદ રીતે કન્ટેનર ટ્રક પસાર થતા તેને અટકાવ્યુ હતુ, અને તેમાં તલાસી લેતા તેમાંથી મોટા પ્રમાણ માં ગુટખા પાન મસાલા નો જથ્થો મળી આવ્યો હતો, જે ગુટખા પાન મસાલા અંગે એલસીબી પોલીસે ટ્રક ચાલક શિવાજી ઉડે રહેવાશી મુંબઈ પાસે બિલ સહિત ના આધાર પુરાવા માંગ્યા હતા. પરંતુ તે પોલીસ ને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યો નહતો.તેથી ભરૂચ એલસીબી પોલીસે ટ્રક ચાલક શિવાજી ઉડે ની અટકાયત કરીને કન્ટેનર ટ્રક માં ભરેલ ગુટખા પાન મસાલા ના કુલ ૨૩૬૫૨ નંગ પેકેટ કિંમત રૂપિયા ૧૬.૫૫ લાખ તેમજ ૧૦ લાખ ની કિંમતની ટ્રક જપ્ત કરીને કુલ રૂપિયા ૨૬.૫૫ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ શંકાસ્પદ ગુટખા પાન મસાલા ના જથ્થા સંદર્ભે એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી, અને વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નકલી માલ બજારમાં ફેલાવાની વૃત્તિ લોકોમાં છે તેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે. પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલો ગુટખાનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. રૂા.૧૬.૫૫ લાખના ગુટખાના જથ્થાનું પગેરું મેળવવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.