નવરા બેઠેેલા યાત્રીએ પાણીની બોટલ માટે રેલવે તંત્રને દોડતું કર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026  |   વડોદરા   |   1485

રેલવે તંત્રની સતર્કતા અને મુસાફરોને તાત્કાલિક સેવા આપવા માટેની તૈયારીનો એક રસપ્રદ બનાવ સામે આવ્યો છે. ચાલતી ટ્રેનમાં એક મુસાફરને પાણીની તરસ લાગતાં તેણે રેલવે હેલ્પલાઇન નંબર પર મેસેજ કરીને જણાવ્યું હતું કે ટ્રેન જ્યારે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચે ત્યારે તેના કોચ સામે પાણીનો કુલર ઉપલબ્ધ કરાવવામાં આવે.મેસેજ મળતા જ વડોદરા રેલવે સ્ટેશનના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત કોચ સામે પાણીનો કુલર સુલભ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટ્રેન સ્ટેશન પર આવી પહોંચતા અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા જેથી મુસાફરને કોઈ મુશ્કેલી ન પડે.પરંતુ આશ્ચર્યની વાત એ રહી કે, જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે સંબંધિત મુસાફરના કોચ સામે પાણીનો કુલર પહેલેથી જ ઉપલબ્ધ હતો. તેમ છતાં, મુસાફરે કુલરમાંથી પાણી લેવા બદલે ૨૦ રૂપિયામાં પાણીની બોટલ ખરીદી લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ રેલવે અધિકારીએ ઉતાર્યો હોવાનું જાણવા મળે છે.

આ બનાવથી એક તરફ રેલવે તંત્રની ઝડપી કામગીરી અને મુસાફરો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત થાય છે, તો બીજી તરફ કેટલાક મુસાફરો દ્વારા બિનજરૂરી રીતે હેલ્પલાઇનનો ઉપયોગ કરીને તંત્રને પરેશાન કરવામાં આવતું હોવાનો મુદ્દો પણ સપાટી પર આવ્યો છે.રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, હેલ્પલાઇન સેવા મુસાફરોની વાસ્તવિક સમસ્યાઓના નિરાકરણ માટે શરૂ કરવામાં આવી છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. આવી ઘટનાઓને કારણે તંત્રનો સમય અને સંસાધનો વ્યર્થ જાય છે, જે અન્ય જરૂરિયાતમંદ મુસાફરો માટે અવરોધરૂપ બની શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution