રાજકોટ, રાજકોટના કેસરી હિન્દ પુલ નીચે બેડીપરા નજીક આવેલા બેઠા પુલ પરથી મુસાફર ભરેલી રિક્ષા પસાર થઇ રહી હતી. ત્યારે ચાલકને જાણ બહાર પુલની પાળી બહાર રિક્ષાનું વ્હીલ જતું રહેતા નદીમાં ગરકાવ થઇ હતી. સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી રીક્ષા બહાર કાઢવામાં આવી હતી. જાેકે સદનસીબે મુસાફરો અને રિક્ષાચાલકે સતર્કતા દાખવતા કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કેસરી હિન્દ પુલ નીચે બેડીપરા નજીક બેઠા પુલ પર આજી નદીના પાણીમાં આજે બપોરના સમયે મુસાફર ભરેલી રિક્ષા પસાર થતી હતી. આ સમયે અચાનક રિક્ષા નદીમાં ગરકાવ થઇ હતી. જાેકે મુસાફર અને રિક્ષા ચાલકની સમય સુચકતાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ રિક્ષાચાલકને ખ્યાલ ન હોવાથી તેણે રિક્ષા ત્યાંથી ચલાવી નીકળવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ત્યાંથી પસાર થઇ શક્યા નહોતા. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. બાદમાં સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા મહેનત કરી એક કલાક બાદ રિક્ષાને દોરડું બાંધી નદીમાંથી બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે નદીમાં રિક્ષા ખૂંચી જતા રિક્ષાચાલક મહમદભાઈને અંદાજિત ૩૦થી ૩૫ હજારનું રિક્ષામાં નુકસાન થયું છે.